કેદારનાથમાં ભૂસ્ખલનથી 5 પદયાત્રીઓના મોત, ગુજરાત, એમપીના શ્રદ્ધાળુઓ પર પડ્યા પથ્થરો
બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ પર ભૂસ્ખલનને પગલે પહાડનો કાટમાળ અને પથ્થરો પડતા પાંચ શ્ર

બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ પર ભૂસ્ખલનને પગલે પહાડનો કાટમાળ અને પથ્થરો પડતા પાંચ શ્રદ્ધાળુઓના દુઃખદ મોત થયા, જ્યારે ત્રણ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. રેસ્ક્યુ ટીમ ભૂસ્ખલન વિસ્તારમાં બચાવ કામગીરી કરી રહી છે. કાટમાળ નીચે દબાઈ જવાને કારણે એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ચાર લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.
કેદાર ઘાટીમાં સતત વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના સોમવારે મોડી સાંજે કેદારનાથ રોડ પર કોતવાલી સોનપ્રયાગથી લગભગ એક કિલોમીટર દૂર ગૌરીકુંડ તરફ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં બની હતી. કેટલાક યાત્રાળુઓ બાબા કેદારનાથના દર્શન કરીને ગૌરીકુંડથી સોનપ્રયાગ તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પહાડ પરથી કાટમાળ અને પથ્થરો પડવા લાગ્યા. આ દરમિયાન કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડ્યા હતા, પરંતુ કેટલાક મુસાફરો કાટમાળની નીચે દબાઈ ગયા હતા.
ગૌરીકુંડથી સોનપ્રયાગ તરફ ભૂસ્ખલનની માહિતી મળતા જ પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. મોડી રાત્રે રેસ્ક્યુ ટીમોએ કાટમાળ હટાવતા બેભાન અવસ્થામાં ગોપાલજીને કાટમાળમાંથી બહાર કાઢ્યા. જેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ત્રણ શ્રદ્ધાળુઓને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
કાટમાળ નીચે વધુ લોકો દટાઈ જવાના ભયને કારણે SDRF, NDRF અને પોલીસ પ્રશાસને રાત્રે પણ ઓપરેશન ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ખરાબ હવામાન અને સતત પથ્થરો અને કાટમાળના પ્રવાહને કારણે બચાવ ટુકડીઓએ કામ અટકાવવું પડ્યું હતું. મંગળવારે સવારે હવામાન સારું થતાં અને પહાડી પરથી કાટમાળ પડવાનું બંધ થતાં રેસ્ક્યુ ટીમોએ ફરીથી કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું હતું.
જિલ્લા પોલીસનું કહેવું છે કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સાંજે 6:30 વાગ્યા પછી અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. આ દુર્ઘટના એ લોકો સાથે થઈ હતી જેઓ આ સમય પહેલા ગૌરીકુંડથી સોનપ્રયાગ ગયા હતા.
ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે દટાયેલા શ્રદ્ધાળુઓમાં બે મહિલાઓ અને એક પુરૂષને બેભાન અવસ્થામાં બહાર કઢાયા હતા. જેમને હોસ્પિટલમાં લઈ જવાતા હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. થોડે દૂર અન્ય એક મહિલા શ્રદ્ધાળુનો મૃતદેહ પણ મળી આવ્યો છે. આ કરૂણ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.
આ પાંચ શ્રદ્ધાળુઓના થયા મોત
ભરતભાઈ નિરાલાલ (52) કરવલ નગર ખટોદરા સુરત ગુજરાત
ગોપાલ (50) રહેવાસી જીજોડા, જિલ્લો ધાર, મધ્યપ્રદેશ,
સમનબાઈ (50) રહેવાસી ઝિજોરા જિલ્લો ધાર મધ્યપ્રદેશ
દુર્ગાબાઈ ખાપર (50) રહેવાસી નેપાવલી, જિલ્લો ઘાટ, મધ્યપ્રદેશ
તિતલી દેવી (70) રહેવાસી ગામ વૈદેહી, જિલ્લો ધનવા, નેપાળ
આ શ્રદ્ધાળુઓની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
જીવચ તિવારી (60) રહે ધનવા નેપાળ,
મનપ્રીત સિંહ (30) રહે. પશ્ચિમ બંગાળ
છગનલાલ (45) રાજોત જિલ્લા ધાર મધ્યપ્રદેશ







