'તિરુપતિ મંદિર લાડુ વિવાદમાં 250 કરોડનું કૌભાંડ', 5 વર્ષ સુધી નકલી ઘીનો ચડ્યો પ્રસાદ; CBIના મોટા ખુલાસા
દેશના સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંના એક તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં ચઢાવવામ

દેશના સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંના એક તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં ચઢાવવામાં આવતા લાડુના પ્રસાદમાં વપરાતા ઘીને લઈને મોટું કૌભાંડ સામે આવ્યું છે. સીબીઆઈની તપાસમાં ખુલાસો થયો છે કે, ઉત્તરાખંડની એક ડેરીએ પાંચ વર્ષ દરમિયાન તિરુપતિ મંદિરને 68 લાખ કિલો નકલી ઘી સપ્લાય કર્યું હતું. આ ઘીની કિંમત આશરે 250 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
સીબીઆઈની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ અંગે ખુલાસો કરતાં કહ્યું કે, ભોલે બાબા ઓર્ગેનિક ડેરી વર્ષ 2019થી 2024 સુધી મંદિરના પ્રસાદ માટે ઘી સપ્લાય કરતી હતી એણે ક્યારેય અસલી દૂધ કે માખણ ખરીદ્યું નથી, પરંતુ તેના બદલે મોનોડાઇગ્લિસરાઇડ્સ અને એસિટિક એસિડ એસ્ટર જેવા રસાયણોનો ઉપયોગ કરીને કૃત્રિમ ઘી બનાવ્યું છે. ડેરીને કેમિકલ પૂરું પાડનાર આરોપી અજય કુમાર સુગંધની ધરપકડ બાદ તપાસ એજન્સીએ આ માહિતી જાહેર કરી હતી.
નકલી રેકર્ડ અને નકલી ઘી સપ્લાયનો ખેલ
સીબીઆઈના જણાવ્યા મુજબ ઉત્તરાખંડના ભગવાનપુરમાં આવેલી આ ડેરીના માલિકો પોમિલ જૈન અને વિપિન જૈને નકલી દેશી ઘી યુનિટ સ્થાપ્યું હતું અને દૂધ ખરીદીના ખોટા રેકર્ડ તૈયાર કર્યા હતા. 2022માં ભોલે બાબા ડેરીને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા બાદ આ વ્યક્તિઓએ અન્ય કંપનીઓના નામ પર જેમ કે, વૈષ્ણવી ડેરી (તિરુપતિ), માલ ગંગા ડેરી (ઉત્તર પ્રદેશ) અને એઆર ડેરી ફૂડ્સ (તમિલનાડુ) થકી નકલી ઘી સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું.
રિજેક્ટ ઘીના લેબલ બદલી ફરી મંદિરને વેચ્યું
CBI તપાસમાં એ પણ સામે આવ્યું કે, જુલાઈ 2023માં ટીટીડી દ્વારા રિજેક્ટ કરાયેલા ઘીના 4 ટેન્કર લેબલ બદલીને ભોલે બાબા ડેરી દ્વારા ફરીથી મંદિરમાં મોકલાયું હતું. જ્યારે FSSAI અને CBI ટીમે તમિલનાડુના ડિંડીગુલમાં એઆર ડેરી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. એ સમયે જાણવા મળ્યું કે, રીજેક્ટ કરેલું ઘી પરત કરાયું નહોતું પરંતુ વૈષ્ણવી ડેરી નજીક સ્થિત સ્થાનિક સ્ટોન ક્રશિંગ યુનિટમાં મોકલવામાં આવ્યું હતું. ઓગસ્ટ 2024માં વૈષ્ણવી ડેરીએ તે જ ઘીનું પ્રોસેસિંગ કરી લેબલ બદલીને તિરુપતિ મંદિરમાં ફરીથી સપ્લાય કર્યું. આ ઘીનો ઉપયોગ ભગવાન વેંકટેશ્વરના લાડુ પ્રસાદમાં થતો હતો.






