મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પૂર્ણિયાથી સાંસદ બનતાની સાથે જ પપ્પુ યાદવ સામે નોંધાયો કેસ, 1 કરોડની ખંડણી મામલે આપ્યો આ જવાબ 

બિહારના પૂર્ણિયાથી અપક્ષ ચૂંટણી જીતનાર પપ્પુ યાદવ સામે ચૂંટણી જીત્યાના 6 દિવસ બાદ જ કેસ નોંધવામાં આવ્યો

પૂર્ણિયાથી સાંસદ બનતાની સાથે જ પપ્પુ યાદવ સામે નોંધાયો કેસ, 1 કરોડની ખંડણી મામલે આપ્યો આ જવાબ 

બિહારના પૂર્ણિયાથી અપક્ષ ચૂંટણી જીતનાર પપ્પુ યાદવ સામે ચૂંટણી જીત્યાના 6 દિવસ બાદ જ કેસ નોંધવામાં આવ્યો છે. પૂર્ણિયાના એક મોટા ફર્નિચર વેપારીએ પપ્પુ યાદવ પર 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ લગાવ્યો છે.

 પૂર્ણિયા પોલીસના જણાવ્યા અનુસાર મુજબ પીડિત વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 4 જૂને મત ગણતરીના દિવસે પપ્પુ યાદવે તેને પોતાના ઘરે બોલાવીને રૂપિયા 1 કરોડ આપવાનું કહ્યું હતું. આ બાદ પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો અપક્ષ સાંસદ પપ્પુ યાદવે પણ આ બાબતે પોતાનો જવાબ આપ્યો છે. 

વિરોધીઓ પર કાવતરાનો આરોપ

બિહારના પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે પોતાની સામે કેસ નોંધાયા બાદ X પર લખ્યું છે કે, 'દેશની- તેમજ રાજ્યની રાજનીતિમાં મારા વધતા પ્રભાવ અને સામાન્ય લોકોના વધતા સ્નેહથી નારાજ થયેલા લોકોએ આજે પૂર્ણિયામાં એક જઘન્ય ષડયંત્ર રચ્યું છે. એક અધિકારી અને વિરોધીઓ દ્વારા રચાયેલા આ ષડયંત્રનો પર્દાફાશ થશે. સુપ્રીમ કોર્ટ હેઠળ આ બાબતની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જે દોષિત સાબિત થાય તેને ફાંસી આપી દો.

પૂર્ણિયાના પીડિત ફર્નિચર વેપારીએ પોલીસને એમ પણ જણાવ્યું કે, પપ્પુ યાદવે પૈસા માંગવાની સાથે ધમકી પણ આપી છે. જો તેમને પૈસા નહીં મળે તો તેને જાનથી મારી નાંખશે. આ ઉપરાંત પપ્પુ યાદવે કહ્યું કે, આગામી 5 વર્ષ તે જ પૂર્ણિયાના સાંસદ રહેનારા છે. ત્યાં સુધી તેમનો વહેવાર કરવો પડશે. ફર્નિચરના વેપારીએ કરેલી ફરિયાદ બાદ અપક્ષ સાંસદ પપ્પુ યાદવ અને તેમના નજીક મનાતા અમિત યાદવ વિરુદ્ધ મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે હાલ તપાસ કરી રહી છે.

પપ્પુ યાદવને કોંગ્રેસમાંથી ટિકિટ જોઈતી હતી
 
જણાવી દઈએ કે તાજેતરની ચૂંટણી જીત્યા બાદ પપ્પુ યાદવ પહેલીવાર દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. પપ્પુ યાદવ આ લોકસભા ચૂંટણીમાં પૂર્ણિયાથી કોંગ્રેસની ટિકિટ ઇચ્છતા હતા, પરંતુ મહાગઠબંધનમાં સીટ શેરિંગ હેઠળ પૂર્ણિયાની સીટ લાલુ યાદવની પાર્ટી આરજેડીના ભાગે જતાં કોંગ્રેસના પપ્પુ યાદવને ટિકિટ મળી નહોતી. જેથી પપ્પુ યાદવે અપક્ષમાંથી ચૂંટણી લડી હતી. જેમાં તેઓ વિજેતા પણ થયા છે.

આ સમાચાર શેર કરો