જામનગરમાં પૈસાની લેતી દેતીમાં ખેલાયો ખુની ખેલ, યુવાનની હત્યા કરી હત્યારાઓ ફરાર
જામનગરમાં લુખ્ખા તત્ત્વોનો ખોફ સતત વધી રહ્યો છે. લૂંટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે જામનગરના જડેશ્

જામનગરમાં લુખ્ખા તત્ત્વોનો ખોફ સતત વધી રહ્યો છે. લૂંટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં યુવાનની હત્યાના બનાવથી સનસનાટી મચી જવા પામી છે. સેબાજ ઇકબાલ થૈયમ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી.
જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં પૈસાની લેતી દેતી બાબતે યુવાનની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. હત્યાના બનાવ બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જામનગર શહેર ડીવાયએસપી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન PI, PSI સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જી જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
થોડા દિવસ પહેલા પણ જામનગરમાં આવી ઘટના બની હતી.જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બલભદ્રસિંહ જાડેજા નામના ૨૧ વર્ષના યુવાનનો આજે સવારે નાની ખાવડી ગામની સીમ વિસ્તારમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની પોલીસને જાણ કરાતાં સિક્કા પોલીસ સ્ટેશનનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, અને મૃતદેહ તેના સ્વજનોને સોંપી દીધો છે. મૃતક યુવાનના ગળાના ભાગે ધારદાર હથીયારનો ઘા ઝીંકી દેવાયો હોવાથી ગરદનનો ભાગ કપાઈ ગયો હતો, અને લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જયારે મૃતદેહની નજીકથી એક કાર મળી આવી હતી.
સિક્કા પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરાયા બાદ પોલીસને એવું જાણવા મળ્યું હતું કે મૃતક યુવાન કે જેને નાની ખાવડી ગામના જ જનકસિંહ ઝાલા સાથે ગઇકાલે રાત્રે તકરાર થઇ હતી. જનકસિંહની પત્નીને મૃતક યુવાન પરેશાન કરી રહ્યો છે. તેવી શંકાના આધારે આજે વહેલી સવારે બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યારબાદ જનકસિંહ ઝાલાએ ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા નીપજાવી ભાગી છૂટયો હતો. ફરાર આરોપી સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. અને તેની શોધખોળ હાથ ધરી છે. નાની ખાવડી ગામમાં આ બનાવને લઇને ભારે ચકચાર જાગી છે.






