સુરતના જોળવામાં લગ્નના DJ પર નાચતા થઈ બબાલ, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાતા યુવકનું મોત
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે લગ્ન પ્રસંગમાં ડીજેમા નાચવા બાબતે થયેલી બબાલ હત્યામાં પરિણામી હતી. જોળવા ગામે આર

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે લગ્ન પ્રસંગમાં ડીજેમા નાચવા બાબતે થયેલી બબાલ હત્યામાં પરિણામી હતી. જોળવા ગામે આરાધના લેકટાઉન વિભાગ નજીક મિત્રને ત્યાં લગ્ન પ્રસંગ હોય ડીજેના પ્રોગ્રામમાં કેટલાક મિત્રો વચ્ચે ડીજેમાં નાચવા બાબતે બબાલ થઈ હતી. જેમાં એક યુવકને સુરતથી ડીજે રમવા આવેલા કેટલાક ઈસમોએ માર મારી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા મોત નીપજ્યું હતું.
બોલાચાલી બાદ ઝઘડો
સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં ચોરી અને લૂંટ બાદ હત્યાનો સિલસિલો પણ યથાવત છે. પરપ્રાંતિય વિસ્તારમાં લોકોને જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય તેવી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે આરાધના લેકટાઉનમાં તુષાર દેસલે નામના વ્યક્તિના ઘરે લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજેનો પ્રોગ્રામ રાખ્યો હોય કેટલાક યુવકો પણ ત્યાં ડીજેમાં ગયા હતા. જે પૈકી એક રવિ વિજય દૂબે નામનો યુવક પણ પોતાના સાથી મિત્રો સાથે ડીજેમાં નાચવા ગયો હતો. તે દરમિયાન સુરતથી આવેલા કેટલાક ઈસમો સાથે ઝઘડો અને બોલાચાલી થઈ હતી.
પીઠમાં ઘા માર્યા
ડીજેમાં નાચવા બાબતે થયેલો ઝઘડો અને બોલાચાલીએ હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં રવિ વિજય દૂબે નામના યુવકને સુરતથી ડીજે રમવા આવેલા ચાર ઈસમ પૈકી મધુરમ સર્કલ ડીંડોલીનો રહેવાસી એવા અક્ષય સિંધેએ પોતાના પેન્ટના કમરના ભાગેથી ચપ્પુ કાઢીને રવિ દૂબેને જોરથી ઘા મારી દીધા હતા. ત્યારબાદ અક્ષયની સાથે આવેલા ચેતન બોરકર તેમજ અન્ય એક ઈસમ પણ ચપ્પુ લઈને રવિ દૂબે પર તૂટી પડ્યા હતા. પીઠ પાછળ ચપ્પુના ઘા મારીને રવિ દૂબેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના બાબતે મધરાત્રે જ પલસાણા પોલીસે અક્ષય સિંધે તેમજ અન્ય બે વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો પણ દાખલ કરી દીધો હતો. સમગ્ર બનાવમાં પોલીસે હાલ શંકાસ્પદ એક હત્યારાની પણ ધરપકડ કરાઈ પ્રાથમિક તબક્કે માહિતી મળી રહી છે.







