રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર: યાંત્રિક રાઈડ્સ ફિટિંગ કરવાની કામગીરી શરૂ, રાઇડ્સ સાથે મેળો ધમધમશે તેવા સંકેતો
રાજ્યમાં સાતમ-આઠમના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના કેટ

રાજ્યમાં સાતમ-આઠમના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકમેળા યોજવામાં આવે છે, ત્યારે રાજકોટમાં ધરોહર લોકમેળાને રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે પાંચ દિવસ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, હવે સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર એ સામે આવ્યા છે કે, યાંત્રિક રાઈડ્સ ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરિણામે હવે લોકમેળામાં યાંત્રિક રાઈડ્સ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. વહીવટી તંત્ર સાથે મળી ચર્ચા કરી યાંત્રિક રાઇડ્સ શરૂ કરવા માટે રાજકોટ વહીવટી તંત્રને સૂચન રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
રાજકોટના પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે જિલ્લામાં લોકમેળાનું ઉદ્ધાટન કરીને જણાવ્યું હતું કે, 'મેળામાં રાઈડ્સ સંચાલકો દ્વારા લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને નીતિ નિયમોનું પાલન કરશે તો રાઈડ્સની મંજૂરી આપવામાં આવશે. જ્યારે યાંત્રિક રાઈડ્સ શરુ કરવા માટે રાજકોટ વહીવટી તંત્ર સાથે ચર્ચા વિચારણ કરીને સૂચના આપવામાં આવશે.'
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું?
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, 'રાઈડ્સને આ વખતે મેળામાં મંજૂરી આપવામાં આવી નથી. રાઈડ્સના નોર્મ્સ નક્કી કરવામાં ટેકનિકલ મંજૂર મળી ન હતી. રાજકોટમાં TRP ગેમ ઝોનની દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક વલણને ધ્યાનમાં રાખી અને લોકોની સેફ્ટી માટે આ વખતે રાઇડ્સ વગર લોકમેળો શરુ કરવામાં આવ્યો છે.
રાઈડ્સની મંજૂરીને લઈને સ્ટોલ ધારકોમાં રોષ હતો
રાજકોટના મેળામાં રાઈડ્સને લઈને મંજૂરી આપવામાં આવી ન હોતી, પરિણામે સ્ટોલ ધારકોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં એક સ્ટોલ ધારકે જણાવ્યું હતું કે, 'ચકરડી વગરનો મેળો ન હોય, જેથી અમારે ધંધો નથી કરવો અને અમે બધા સ્ટોલવાળા મળીને લોકમેળાનો બહિષ્કાર કરીએ છીએ. અમે સરકારને તો પૈસા આપી દીધા છે અને જો રાઈડ્સ શરૂ કરવામાં નહીં આવે તો અમારે ધંધો નથી કરવો.'








