ગુજરાતના આ ગામમાં આખી પંચાયતમાં મહિલાઓનું શાસન, વગર ચૂંટણીએ સ્ત્રીઓએ કરેલો વિકાસ ઉડીને વળગે છે આંખે
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અલુરા ગ્રામ પંચાયત મહિલાઓની પંચાયત તરીકે ઓળખાય છે. સરપંચ ઉપસરપંચથી લઇ તમામ ગ્રામ પંચાયતના સભ્ય

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અલુરા ગ્રામ પંચાયત મહિલાઓની પંચાયત તરીકે ઓળખાય છે. સરપંચ ઉપસરપંચથી લઇ તમામ ગ્રામ પંચાયતના સભ્યો પણ મહિલાઓ છે. એક હજારની વસ્તી અને બે ફળિયા ધરાવતા આ ગામમાં છેલ્લા 30 વર્ષથી ચૂંટણી થઈ નથી. ગામમાં ઘણા યુવકોએ હજુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન જ નથી કર્યું. તેમજ છેલ્લી બે ટર્મથી તો ચૂંટણીમાં ગામના આગેવાનોની દીર્ઘદૃષ્ટીને કારણે ગામ સમરસ થયું હતું. જનરલ સીટ હોવા છતાં ગામના આગેવાનોએ ભેગા મળી ગામનું વાતાવરણ નહી ડહોળાય એટલા માટે તમામ સીટો મહિલાઓને ફાળવી તમામ સીટો બિન હરીફ કરી સમરસ પંચાયત કરી રહ્યા છે.
પ્રાથમિક કામો પૂર્ણ
જોકે ગામના આગેવાનોની સલાહ પણ કામ લાગી અને મહિલાઓની પંચાયત અને સમરસ પંચાયત હોવાના કારણે સરકાર તરફથી લાભો પણ વધુ મળવા લાગ્યા અને ગામના વિકાસના કામોને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં પણ પ્રાથમિકતા મળવા લાગી. આજની પરિસ્થિતિની વાત કરીએ તો ગામ આખામાં વિકાસ આંખે ઉડીને વળગે એવો છે. હાલ ગામમાં દરેક પ્રાથમિક સુવિધાના કામો પૂર્ણ થઈ ગયા છે.
જીવન નિર્વાહ
ગામમાં કુલ ૮ પંચાયતની બેઠકો છે. જે પેકી ૬ બેઠકો એસટી એસસી છે. જે પૈકી ગ્રામ પંચાયતના સરપંચ તો પંચાયતની ફરજ સાથે સાથે સાથે જીવન નિર્વાહ ચલાવવા માટે અન્ય મહિલા સભ્ય સાથે ખેત મજુરી કરે છે. તમામ મહિલાઓ ઘરની જવાબદારી બાદ પંચાયતની વિશેષ જવાબદારી નિભાવી રહી છે. ત્યારે અલુરા ગ્રામ પંચાયતની મહિલાઓ ખરેખર એક સમાજમાં દાખલો બેસાડી રહી છે.








