વડોદરામાં રખડતાં ઢોરની અડફેટે મહિલાનું કરુણ મોત, VMCની ઢોર પર અંકુશની વાતો માત્ર હવામાં
વડોદરામાં રખડતાં ઢોરને લઈને મનપાની કાર્યવાહી માત્ર હવામાં વાતો સમાન જોવા મળી છે. વડોદ

વડોદરામાં રખડતાં ઢોરને લઈને મનપાની કાર્યવાહી માત્ર હવામાં વાતો સમાન જોવા મળી છે. વડોદરામાં મોપેડ લઇને નોકરી પર જતી મહિલાના રસ્તા વચ્ચે ગાય આવી જતા તેઓ ફંગોળાઇને રોડ પર પટકાતા બેભાન થઇ ગયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
રસ્તામાં ઢોર આવતા મહિલા ફંગોળાઈને પટકાઈ
ઉંડેરા કોયલી મેન રોડ પર મોપેડ લઇને જતી ૨૮ વર્ષની મહિલાના રસ્તામાં ગાય આવી જતા તેઓ રોડ પર ફંગોળાઇને પડયા હતા. તેઓને માથાના પાછળના ભાગે, ડાબા હાથની કોણી પર તથા હોઠ પર ઇજા થતા બેભાન થઇ ગયા હતા. દરમિયાન ત્યાં સ્થળ પર હાજર અમિત સુરેશભાઇ સોલંકીએ ત્યાં દોડીને તપાસ કરતા ઇજાગ્રસ્ત મહિલા તેમના ઘરની નજીક કોયલી ગામ ઝવેરીપુરામાં રહેતા સુરેખાબેન ગણપતભાઇ સોલંકી હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અમિતભાઇએ જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં સારવાર માટે બહુ સમય જતો હોવાથી સુરેખાબેનને આણંદની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું.
ઢોરો પર અંકુશ રાખવામાં VMC નિષ્ફળ
મૃતક સુરેખાબેન સોલંકી પોતાનું વાહન લઇને કોયલી ઉંડેરા રોડ પરથી પસાર થતા હતા તે દરમિયાન પશુની અડફેટે આવી જતા તેમનું મોત નીપજ્યું હતું. જેમાં આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત થયું હતું. રખડતા ઢોરો પર અંકુશ રાખવામાં વડોદરા મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ નિવડ્યું. સમગ્ર ઘટના અંગે જવાહરનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.








