Ahmedabad news: દારૂ-જુગારના અડ્ડા બંધ નહિ થાય તો ઉપવાસ આંદોલન કરીશ, ભાજપના પૂર્વ ધારાસભ્યની ચિમકી
હાલ રાજ્યમાં દારૂ-જુગારના દૂષણને ડામવા ઠેર ઠેર પ્રજા જનતા રેડ કરી રહી છે

હાલ રાજ્યમાં દારૂ-જુગારના દૂષણને ડામવા ઠેર ઠેર પ્રજા જનતા રેડ કરી રહી છે. ત્યારે દારૂ સહિતની અસામાજિક પ્રવૃતિથી ત્રસ્ત ગોમતીપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ પોલીસને 7 દિવસનું અલ્ટિમેટમ આપી આ પ્રવૃતિ બંધ નહિ થાય તો ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
તાત્કાલિક ગેરકાયદે પ્રવૃતિ બંધ કરો: જીતુ વાઘેલા
દારૂ - જુગારના અડ્ડાઓ અંગે કોંગ્રેસના આક્ષેપો વચ્ચે ગોમતીપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ કોંગ્રેસ MLA ના વિસ્તારમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પોલીસ તંત્રને પત્ર લખ્યો છે, સાથે કોંગી ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરો પર આક્ષેપો કર્યા છે. ગોમતીપુર વિસ્તારમાં ચાલતા દારૂ, જુગારના અડ્ડાઓ બંધ કરાવવા પત્ર લખી તાત્કાલિક આ ગેરકાયદે પ્રવૃતિ બંધ કરાવવા માંગ કરી છે. 7 દિવસમાં દારૂ, જુગારના અડ્ડાઓ બંધ કરાવવા પત્રમાં ઉલ્લેખ કરાયો છે અને જો પગલાં નહિ લેવાય તો પૂર્વ ધારાસભ્ય તેમના પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. તેઓએ જણાવ્યું હતું કે રજૂઆત બાદ થોડા દિવસ અડ્ડાઓ બંધ રહે છે અને ત્યારબાદ ફરી અડ્ડાઓ શરૂ થઈ જાય છે.




