સુરત કલેક્ટર ગ્રામ્ય વિસ્તારમાં પહોંચતા અધિકારીઓ થયા દોડતાં, મહિનામાં એકવાર મુલાકાત લેવા કર્યા સૂચન
સુરત જિલ્લા કલેકટર પલસાણા તાલુકાના કેટલાક ગામોની મુલાકાત લેતા સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. પલસાણા તાલુકાના ભૂત

સુરત જિલ્લા કલેકટર પલસાણા તાલુકાના કેટલાક ગામોની મુલાકાત લેતા સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. પલસાણા તાલુકાના ભૂતપોર તેમજ વણેશા ગામે જિલ્લા કલેકટરે ગ્રામજનો સાથે સંવાદ કરી પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. સાથે જ જરૂરી નિરાકરણ લાવવા માટે અધિકારીઓને આદેશ કરવામાં આવ્યા હતા.
સ્થાનિકોએ પ્રશ્નો રજૂ કર્યા
બન્ને ગામના ગ્રામજનોએ ખેતીવાડીની કેટલીક સમસ્યાઓ, ખેતરમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈનનો પ્રશ્ન, ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ગટર લાઇન અવ્યવસ્થા સહિતના અનેક મુદ્દાઓ અંગે ગ્રામજનોએ સમસ્યાની રજૂઆત કરી હતી. ભૂતપોર તેમજ વણેશા ગામના રહીશોએ છેલ્લા ઘણા વર્ષોથી નહીં ઉકેલાયેલ સમસ્યાઓની ભરમાર રજૂ કરતા જિલ્લા કલેકટરે સ્થાનિક અધિકારીઓને આ તમામ સમસ્યાઓનું તાકીદે નિવારણ લાવવા સૂચન કર્યું હતું.
સમસ્યાના ઉકેલ માટે મુલાકાત લેવા સૂચન
એક માસમાં ઓછામાં ઓછું એક વાર આ સમસ્યાગ્રસ્ત ગામોમાં તાલુકાના અધિકારીઓને મુલાકાત લેવા માટે પણ જિલ્લા કલેક્ટરે સૂચનો કર્યા હતા. જિલ્લા કલેકટરની ગામડાઓની મુલાકાતને લઈને સ્થાનિક પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. સરકારની જુદી જુદી યોજનાઓ અંગે ગ્રામજનો માહિતી સભર બને એવા પણ પ્રયાસો કરાયાં હતા.








