Mehsana/ વિપુલ ચૌધરી માટે માઠા સમાચાર, દૂધસાગર ડેરીની ચૂંટણી નહીં લડી શકે, જાણો કારણ
ગુજરાતના સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી

ગુજરાતના સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સાગરદાણ કૌભાંડ કેસમાં થયેલી સજા સામે સ્ટે મેળવવા માટે તેમણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, પરંતુ સુનાવણીની તારીખ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતી હોવાથી તેમનું ચૂંટણી લડવું અશક્ય બન્યું છે.
સમયના અભાવે ઉમેદવારી પર રોક
વિપુલ ચૌધરીએ સજા સામે સ્ટે મેળવવા માટે કરેલી પિટિશનની સુનાવણી હાઈકોર્ટમાં 3 ડિસેમ્બરના રોજ નક્કી થઈ છે. બીજી તરફ, દૂધસાગર ડેરીની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ 24 નવેમ્બર છે. દૂધસાગર ડેરીની ચૂંટણી 7 ડિસેમ્બરના રોજ યોજાવાની છે.
ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ પહેલા સજા પર સ્ટે ન મળવાને કારણે, વિપુલ ચૌધરી આ ડેરીની આગામી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકશે નહીં. આ નિર્ણયને કારણે તેમના સમર્થકોમાં નિરાશા જોવા મળી રહી છે, અને મહેસાણાના સહકારી રાજકારણમાં નવા સમીકરણો રચાઈ શકે છે.





