Video: દોરડા વેચતી મહિલાઓએ જાહેરમાં કરી મારામારી, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
છોટાઉદેપુર ખાતે નગરપાલિકાના શોપિંગ સેન્ટર સામે આવેલી પેટ્રોલપંપ ચોકડી પર ભારે હોબા
છોટાઉદેપુર ખાતે નગરપાલિકાના શોપિંગ સેન્ટર સામે આવેલી પેટ્રોલપંપ ચોકડી પર ભારે હોબાળો જોવા મળ્યો હતો. અલીરાજપુર તરફ જવાના રસ્તા પર દોરડા વેચવા આવેલી બે મહિલાઓ વચ્ચે ભાવ બાબતે ઝઘડો થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો, જેના કારણે અડધો કલાક સુધી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ટોળા એકઠા થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, પેટ્રોલપંપ ચોકડી પર એક વૃદ્ધ મહિલા અને એક યુવાન મહિલા ખેતીમાં વપરાતા દોરડાં વેચવા માટે બેઠી હતી. વેચાણના ભાવ બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. યુવાન મહિલાએ ગુસ્સામાં આવીને વૃદ્ધ મહિલાના વાળ પકડીને છૂટ્ટા હાથની મારામારી શરૂ કરી દીધી હતી.
જાહેરમાં મહિલાઓની આ લડાઈ લગભગ અડધો કલાક સુધી ચાલી હતી. ઘટનાસ્થળે હાજર ટ્રાફિક જવાનોએ બંને મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા પોલીસની ગેરહાજરી અને કાયદાકીય મર્યાદાઓને કારણે તેઓ તેમને સીધો હાથ લગાવી કે અલગ કરી શક્યા નહોતા. બંને મહિલાઓ સતત ઝઘડતા પરિસ્થિતિ વણસતી જોઈને આખરે મહિલા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
મહિલા પોલીસ ઘટનાસ્થળે આવતાની સાથે જ બંને લડતી મહિલાઓને કાબૂમાં લીધી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. મહિલાઓની જાહેરમાં મારામારીની આ ઘટનાને જોવા માટે રસ્તા પર લોકટોળાં ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર ઝઘડો દોરડાંના ભાવને લઈને શરૂ થયો હતો. હાલમાં પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




