મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Banaskantha માં CMના કાર્યક્રમ પહેલાં શિક્ષક ચાલુ ક્લાસે નજરકેદ, વિદ્યાર્થીઓનો ખુલ્લો વિરોધ

બનાસકાંઠાના પાલનપુરમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

બનાસકાંઠાના પાલનપુરમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમાજસેવી અને શિક્ષક તરીકે ફરજ બજાવતા રવિ સોનીને પોલીસ દ્વારા તેમના કોચિંગ ક્લાસમાંથી ચાલુ લેક્ચરે જ નજરકેદ (House Arrest/Detained) કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્તરના પ્રશ્નો અને હાલાકી અંગે રવિ સોની મુખ્યમંત્રીને રજૂઆત ન કરે તે હેતુથી તેમની અટકાયત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓનો ખુલ્લો વિરોધ, અભ્યાસ બગડવાની ફરિયાદ

પોલીસ ટીમ રવિ સોનીને ચાલુ ક્લાસમાંથી સાથે લઈ ગઈ ત્યારે કોચિંગ સંસ્થામાં વિદ્યાર્થીઓમાં ભારે રોષનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓએ ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો કે,"અમારો અભ્યાસ બગડી રહ્યો છે... સાહેબને શા માટે લઈ જવામાં આવી રહ્યા છે?" પોલીસની આ કાર્યવાહીથી વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે.

કોંગ્રેસ દ્વારા સરકાર અને પોલીસ પર સવાલ

આ ઘટનાની માહિતી મળતા જ રાજકીય નેતાઓએ સરકાર અને પોલીસની કાર્યવાહી પર સખત સવાલો ઉઠાવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે રવિ સોનીનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પેજ પર વાયરલ કર્યો. તેમણે સરકારને આડે હાથ લેતા કહ્યું કે, “શું આવી રીતે ભણશે ગુજરાત?” પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પણ ચાલુ ક્લાસે શિક્ષકની અટકાયત કરવા બદલ પોલીસની કાર્યવાહી પર વાંધો વ્યક્ત કર્યો છે.

અગાઉ પણ કરાયા છે નજરકેદ

રવિ સોની એક જાગૃત નાગરિક તરીકે સ્થાનિક લોકોની સમસ્યાઓ અંગે તંત્ર સુધી અનેક વખત રજૂઆતો કરતા રહ્યા છે. સૂત્રો મુજબ, તેમને અગાઉ પણ જ્યારે મુખ્ય મહેમાનોના કાર્યક્રમો હોય ત્યારે રજૂઆત કરવાથી રોકવા માટે નજરકેદ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો