VIDEO: ઉપલેટા નગરપાલિકામાં પેમેન્ટ વિવાદ: કોન્ટ્રાક્ટરે પાલિકાના ગેટ પાસે ઠાલવ્યો રોષ, 5 લાખના સાધનો હવે સ્વખર્ચે પરત લઈ જવાયા
VIDEO: રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને લ
VIDEO: રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને લાલિયાવાડીના અનેક કિસ્સાઓ અગાઉ પણ ચર્ચાઈ ચૂક્યા છે, પરંતુ આ વખતે સત્તાધીશોના અણઘડ વહીવટનો ભોગ એક વેપારી બન્યો છે. છેલ્લા અઢી વર્ષથી જીમના સાધનોનું પેમેન્ટ ન મળતા આખરે કંટાળેલા કોન્ટ્રાક્ટરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી સાધનો પરત ખેંચવાની ફરજ પડી છે.
શું છે સમગ્ર વિવાદ
પ્રાપ્ત વિગતો મુજબ, અંદાજે અઢી વર્ષ પહેલા ઉપલેટાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અંદાજે 5 લાખ રૂપિયાના ખર્ચે જીમના સાધનો ફિટ કરવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરનો દાવો છે કે સાધનો બેસાડ્યા બાદ નગરપાલિકા દ્વારા તેમને ફૂટી કોડી પણ ચૂકવવામાં આવી નથી. આ મામલે કોન્ટ્રાક્ટરે તત્કાલીન પ્રમુખ મયુર સુવા અને એન્જિનિયર નિલેશ ભેડા પર વિશ્વાસઘાતનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.
કોન્ટ્રાક્ટરનો ગંભીર આક્ષેપ
કોન્ટ્રાક્ટરના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ પેમેન્ટની ઉઘરાણી કરતા હતા, ત્યારે તેમને સંતોષકારક જવાબ આપવાને બદલે 'સાધનો લઈ જવા'નું કહેવામાં આવ્યું હતું. આથી, લાખોનું આર્થિક નુકસાન વેઠી રહેલા કોન્ટ્રાક્ટરે હવે સ્વખર્ચે મજૂરો લગાડીને જીમના સાધનો ત્યાંથી ઉઠાવવાનું શરૂ કર્યું છે. પૂર્વ પ્રમુખ અને એન્જિનિયરની મિલીભગતને કારણે એક વેપારીને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો છે.
આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં નગરપાલિકાના વહીવટ સામે ફીટકારની લાગણી જન્મી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું જવાબદાર સત્તાધીશો સામે કોઈ પગલાં લેવામાં આવશે?





