VIDEO: 'બોલ બેન ભાઈ છું, બેહિજા મારી ગાડીમાં જો હામે પડી, ભાઈ બેઠો છે તું મોજ કર', ધાનાણીનો વીડિયો વાયરલ
અમરેલી લેટરકાંડ મામલે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે અમરેલી લાવતા સમયે તપાસ ટીમને વચ્ચે રોકી દેવાઈ હતી

અમરેલી લેટરકાંડ મામલે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે અમરેલી લાવતા સમયે તપાસ ટીમને વચ્ચે રોકી દેવાઈ હતી. મેડિકલ ચેકઅપ માટે લઈ જતા સમયે રસ્તામાં જ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા પોલીસને રોકવામાં આવી. કોંગ્રેસ નેતા દ્વારા પોલીસ ટીમને રોકી ‘મેડિકલ તપાસ અત્યારે નહીં પણ સવારે કરવા’ માટેની માંગ કરાઈ હતી. હવે આ સમગ્ર મામલાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પાયલ ગોટીના આક્ષેપો બાદ SITની કરાઈ હતી રચના
તમને જણાવી દઈએ કે, અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. જેમાં Dysp એ.જી.ગોહિલ, મહિલા P.I. આઇ.જે. ગીડા, મહિલા PSI એચ.જે.બરવાડીયાનો સમાવેશ કરવામા આવ્યો હતો. ત્યારે આ તપાસ સમિતિ ટીમ પાયલ ગોટીના નિવાસ્થાને પહોંચી હતી. પાયલ ગોટીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
ફરી સંધ્યાકાળ બાદ પાયલ ગોટીને લઈ જવાતા વિવાદ
પાયલ ગોટીને SIT દ્વારા રાતના સમયે મેડિકલ માટે લઈ જવાતા પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા હતા. SITના અધિકારીઓનું હાથમાં મોબાઈલ લઈને પરેશ ધાનાણીએ શૂટિંગ કર્યું હતું. જણાવી દઈએ કે, અગાઉ પોલીસે સંધ્યાકાળ પછી આ દીકરીની અટકાયત કરી હતી. ત્યારબાદ હવે SITની ટીમ દ્વારા પણ સંધ્યાકાળ પછી આ દીકરીને લઈ જવાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના બાદથી નવો વિવાદ શરૂ થયો છે.
આ પણ વાંચોઃ VIDEO : મનીષ વઘાસીયાએ પાયલ ગોટી મારફતે કરાવ્યું હતું કુરિયર, અમરેલી લેટરકાંડના CCTV ફૂટેજ સામે આવ્યાં
ભાજપે આપી પ્રતિક્રિયા
અમરેલીમાં પાટીદાર યુવતી પર પોલીસ દ્વારા પટ્ટા મારવાના આક્ષેપને લઈ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાટીદાર યુવતીએ કોર્ટમાં જુબાની આપી અને તેમાં પોલીસ દ્વારા કોઈ પણ દમન કરવામાં આવ્યું નથી. છતાં એ દીકરી માટે થઈ ભારતીય જનતા પાર્ટી અને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા અને મેડિકલ ટીમ તપાસ માટે પહોંચી છે. મેડિકલ ટીમ તપાસ કરશે અને દીકરીને જો ખરેખર પટ્ટા મારવામાં આવ્યા છે કે કોઈ દબાણ કરવામાં આવ્યું છે તો તેની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે. આ દીકરીએ કોર્ટમાં ક્યારેય પણ કહ્યું નથી કે પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજકીય રંગ આપવા માટે થઈ પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં કોઈ પણ સમાજની દીકરી હોય ભારતીય જનતા પાર્ટી પક્ષ અને ગુજરાત સરકારની સંવેદના છે ન્યાયતંત્ર ન્યાય આપશે.”






