Video: Surat નજીક નેશનલ હાઇવે પર ટેન્કરમાં ભીષણ આગ, કેબિન બળીને ખાક
સુરત નજીક નેશનલ હાઇવે નંબર 48 (NH-48) પર માંગરોળના પીપોદરા
સુરત નજીક નેશનલ હાઇવે નંબર 48 (NH-48) પર માંગરોળના પીપોદરા નજીક અમદાવાદ-મુંબઇ રોડ પર એક મોટી આગની ઘટના બની હતી. PTA (Purified Terephthalic Acid) પાવડર ભરેલા એક ટેન્કરમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે હાઇવે પર ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી.
ટ્રાફિક જામ અને ડાયવર્ઝન
પ્રાથમિક માહિતી અનુસાર, ટેન્કરના કેબિનની નીચેના ભાગેથી આગ લાગવાની શરૂઆત થઈ હતી, જે જોતજોતામાં કેબિન સુધી ફેલાઈ ગઈ હતી. આગની આ ઘટનાને કારણે હાઇવે પર તુરંત જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી તે પહેલાં જ ટેન્કરનું કેબિન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું. જોકે, ફાયરની ટીમે સમયસર પહોંચીને આગળ વધતી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
બીજી તરફ, જિલ્લા ટ્રાફિકની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પરિસ્થિતિની સમીક્ષા કરીને ટ્રાફિક ટીમે ટ્રાફિક ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના કારણે હાઇવે પરનો ભરાયેલો ટ્રાફિક હળવો થઈ શક્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાના અહેવાલ છે.







