મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢમાં મોટી દુર્ઘટના ટળી! કડિયાવાડમાં એપાર્ટમેન્ટનું પોપડું પડતા મહિલા લોહીલુહાણ, તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ

VIDEO:

VIDEO: જૂનાગઢના અતિ વ્યસ્ત એવા કડિયાવાડ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. અહીં આવેલા જર્જરિત લક્ષ્મી એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી અચાનક પ્લાસ્ટરનું મોટું પોપડું ધડાકાભેર નીચે પડ્યું હતું. આ ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એકતાબેન ચંદારાણા નામના મહિલા તેના લપેટમાં આવી ગયા હતા. પોપડું માથા પર પડતા તેમને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે.

જૂની ઘટનાના ઘા હજુ તાજા છે
ઉલ્લેખનીય છે કે, આ જ વિસ્તારમાં અગાઉ એક આખી બિલ્ડિંગ ધરાશાયી થવાની કાળજું કંપાવનારી ઘટના બની હતી, જેમાં ચાર નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તે સમયે જૂનાગઢ મનપા (MNC) દ્વારા ખૂબ જ મોટા-મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા કે શહેરની તમામ જર્જરિત ઇમારતોનો સર્વે કરી તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આજની આ ઘટના સાબિત કરે છે કે તંત્રની એ તમામ કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત રહી છે.

ભાજપના જ નગરસેવકે ઉઠાવ્યા સવાલ
આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, શાસક પક્ષ ભાજપના જ નગરસેવક ચંદ્રિકાબેન રાખસીયાએ પણ તંત્રની નિષ્ક્રિયતા સામે લાલ આંખ કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શા માટે હજુ સુધી આવી જોખમી ઇમારતો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી? શું તંત્ર હજુ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? આ સમગ્ર મામલે હવે વિપક્ષ પણ આક્રમક મૂડમાં જણાઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો