VIDEO: મોરબીમાં મણીમંદિર પાસે આવેલ અવૈધ ધાર્મિક દબાણને ચુસ્ત બંદોબસ્ત હેઠળ કરાયું દૂર
ગુજરાતના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં મોરબી મણીમંદિર
ગુજરાતના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં મોરબી મણીમંદિર પાસે આવેલ અવૈધ ધાર્મિક દબાણને દૂર કરવામાં આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે 8 DYSP સહિત 700 પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા, તો બીજી તરફ મોરબી શહેરમાં રાતભર પોલીસનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી તંત્રે સમગ્ર કાટમાળ ખસેડ્યો હતો. ઉલ્લેખનીય છે કે તંત્ર સાથે પોલીસ પણ રાતભર એલર્ટ મોડમાં રહી હતી.
ઐતિહાસિક મણીમંદિરની બાજુમાં દરગાહ બનાવવામાં આવી હતી
મોરબીના ઐતિહાસિક મણીમંદિરની બાજુમાં દરગાહ બનાવવામાં આવી હતી અને ગેરકાયદે બાંધકામ હોવાથી નગરપાલિકા તંત્રએ દબાણ દુર કરવા માટે જાન્યુઆરી 2022માં નોટિસ ફટકારી હતી. જોકે ત્યારબાદ પણ દબાણો દુર કરવામાં આવ્યા નહોતા. તે ઉપરાંત વર્ષ-2022ના સપ્ટેમ્બર માસમાં માર્ગ અને મકાન વિભાગના ઈજનેર દ્વારા અહીં ગેરકાયદેસર દબાણ મામલે જવાબદાર લોકો સામે સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ગણતરીના કલાકોમાં જ દબાણ દૂર કરી કાટમાળનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો
આ મામલે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આખરે બપોરે પોલીસના ધાડા ઉતારીને ડિમોલિશન સ્થળે ચકલું'ય ના ફરકી શકે તેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હતો. આ સાથે 10 જેસીબીની મદદથી દબાણ તોડી પાડયા બાદ ૨૫ જેટલા ડમ્પર કામે લગાડીને ગણતરીના કલાકોમાં જ દબાણ દૂર કરી કાટમાળનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો હતો. જોકે ડિમોલિશનના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ટોળેટોળા એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયા હતા. એ-ડિવિઝન પોલીસ મથકને ઘેરી લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ડિમોલિશન પૂર્ણ થયા બાદ શહેરમાં અને અન્ય સ્થળોએ ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા.






