Video/ Nadiad માં ફરી આખલા યુદ્ધ! યુવકને 9 ફૂટ ઊંચે ફંગોળ્યો; કુલ ચાર લોકો ઘાયલ
નડિયાદ શહેરમાં રખડતા ઢોર અને આખલા યુદ્ધનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. આજે પ
નડિયાદ શહેરમાં રખડતા ઢોર અને આખલા યુદ્ધનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. આજે પશ્ચિમ વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિર પાસે બે આખલાઓ બાખડ્યા હતા, જેને શાંત પાડવાના પ્રયાસમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
યુવકને 9 ફૂટ ઊંચે ફંગોળ્યો
મળતી માહિતી મુજબ, બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતાં સ્થાનિક યુવક મુકેશ પરમાર તેમને શાંત પાડવા માટે વચ્ચે પડ્યો હતો. જોકે, ગુસ્સે ભરાયેલા આખલાએ મુકેશ પરમારને જોરદાર ટક્કર મારીને લગભગ 9 ફૂટ ઊંચે હવામાં ફંગોળી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવક મુકેશ પરમારને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આખલાઓએ વધુ ત્રણ લોકોને ઘાયલ કર્યા
આટલેથી ન અટકતાં, આખલાઓએ આગળ જતાં અન્ય ત્રણ લોકોને પણ ઇજા પહોંચાડી હતી. આ ત્રણેય ઘાયલોને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નડિયાદમાં આખલા યુદ્ધની આ ઘટનામાં કુલ ચાર લોકો ઘાયલ થયા છે.
શહેરમાં ઢોરનો આતંક યથાવત
નડિયાદમાં રખડતા ઢોરનો આતંક હવે સામાન્ય બની ગયો હોય તેમ જણાઈ રહ્યું છે. આ ચાલુ મહિનામાં આ ચોથો બનાવ છે. અગાઉ 28 ઓક્ટોબર, 21 નવેમ્બર અને 26 નવેમ્બરના રોજ પણ નડિયાદના વિવિધ વિસ્તારોમાં આખલા બાખડ્યા હોવાના બનાવો સામે આવ્યા હતા. સતત બની રહેલી આવી ઘટનાઓ છતાં તંત્ર દ્વારા આ રખડતા ઢોરોને નિયંત્રિત કરવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે શહેરીજનોની સુરક્ષા જોખમાઈ રહી છે.







