મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજી તાલુકા શાળા નંબર 2માં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, ધોરણ 5ના વિદ્યાર્થીને માર માર્યો

VIDEO: રાજકોટ જિલ્લાના ધોરાજીમ

તસવીર: GSTV

 VIDEO: રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ધોરાજી તાલુકા શાળા નંબર 2માં ધોરણ 5 માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થી પર એક શિક્ષકે રાક્ષસી અત્યાચાર ગુજાર્યો છે. માત્ર વર્ગખંડમાં વાતો કરવા જેવી સામાન્ય બાબતે શિક્ષકે કાયદો હાથમાં લઈ બાળકનું માથું ફોડી નાખતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વાતો કરવા બદલ લાકડી ફટકારી, બાળક લોહીલુહાણ

પ્રાપ્ત વિગતો અનુસાર, શાળામાં 'પિન્ટુ સર' તરીકે ઓળખાતા પ્રશાંતભાઈ ગઢીયા નામના શિક્ષકે ધોરણ ૫ ના વિદ્યાર્થી રોનક વાઘેલા પર ગુસ્સો ઉતાર્યો હતો. રોનક વર્ગમાં અન્ય વિદ્યાર્થી સાથે વાત કરતો હતો, જે બાબતે ઉશ્કેરાઈ ગયેલા શિક્ષકે તેના માથામાં લાકડી ફટકારી દીધી હતી. લાકડી વાગતાની સાથે જ માસૂમ બાળકનું માથું ફાટી ગયું હતું અને લોહીની ધારાઓ વહેવા લાગી હતી.

ઢાંકપિછોડો કરવાનો હીન પ્રયાસ

બાળકને લોહીલુહાણ જોઈ ગભરાઈ ગયેલા શિક્ષકે માનવતા બતાવવાને બદલે પાપ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષકે પોતે જ બાળકનું માથું ધોવડાવી નાખ્યું અને બાળકને ધમકાવ્યો કે, "જો ઘરે જઈને તારી મમ્મીને વાત કરીશ, તો હજી બીજી વાર મારીશ." જોકે, બાળક ઘરે પહોંચતા જ માતા રત્નબેન વાઘેલાને સમગ્ર હકીકતની જાણ થઈ હતી. ફરેણી રોડ પર રહેતા પરિવારે તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં રોનકને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો.

આચાર્યનો લૂલો બચાવ

બીજી તરફ, શાળાના આચાર્ય સંદીપ સાવલિયાની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. આચાર્યએ આ ગંભીર ઘટનાને સામાન્ય ગણાવતા લૂલો બચાવ કર્યો હતો કે ઈજા સામાન્ય છે અને શિક્ષકે માફી માંગી લીધી હોવાથી સમાધાન થઈ ગયું છે. એક બાજુ માસૂમ બાળક હોસ્પિટલમાં છે અને બીજી બાજુ આચાર્ય દ્વારા કરવામાં આવતા બચાવને લઈ શિક્ષણ વિભાગ સામે સવાલો ઊભા થયા છે.

કડક કાર્યવાહીની માંગ

વિદ્યાના ધામમાં માસૂમ પર ગુજારવામાં આવેલા આ સિતમ બાદ ગ્રામજનો અને વાલીઓમાં ઉગ્ર રોષ છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે આવા નિર્દયી શિક્ષક વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.

આ સમાચાર શેર કરો