VIDEO: વડોદરામાં 16 વર્ષના કિશોરે બેફામ કાર હંકારી 3 લોકોને લીધા અડફેટે, એકની સ્થિતિ અત્યંત ગંભીર
વડોદરા શહેરમાં ફરી એક વખત રક્ષિત કાંડ જેવો અકસ્માત સહેજ માટે ટળ્યો છે. મળતા અહેવાલ


વડોદરા શહેરમાં ફરી એક વખત રક્ષિત કાંડ જેવો અકસ્માત સહેજ માટે ટળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના અમિત નગર સર્કલ પાસે 16 વર્ષના સગીરે બેફામ કાર હંકારીને ત્રણથી ચાર રાહદારીઓને અડફેટે લીધા હતા.
આઇસક્રીમ ખાવાની લ્હાયમાં સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, હરણી મોટનાથ રોડ પર રહેતો એક 16 વર્ષીય સગીર મોડી રાત્રે ઘરેથી કાર લઈને આઇસક્રીમ ખાવા માટે નીકળ્યો હતો. વી.આઈ.પી. રોડ પરથી પસાર થતી વખતે અમિતનગર ચાર રસ્તા પાસે સગીરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સૌથી પહેલા ચાલતા જતા એક દંપતી અને તેમના માસૂમ બાળકને અડફેટે લીધા હતા.અકસ્માત સર્જાયા બાદ ગભરાયેલા કિશોરે કાર ઉભી રાખવાને બદલે ભગાવી હતી. ભાગતી કારે રસ્તામાં એક ટેમ્પાને ટક્કર મારી અને ત્યારબાદ ટુ-વ્હિલર પર જઈ રહેલા માતા-પુત્રને પણ જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કુલ 4થી 5 લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા
કાર ચાલક સગીર દુમાડ ચોકડીથી અમિત નગર સર્કલ તરફ આવી રહ્યો હતો, તે સમયે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતા.જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હતી. હરણી પોલીસે સગીર કારચાલકને પોલીસ મથકે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે.






