વાપીમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવનાર નરાધમને ૨૦ વર્ષની જેલ, કોર્ટનો ઐતિહાસિક ચુકાદો!

વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવાના કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. જયારે પિડીતાને રૂ.4 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. નરાધમે સમયાંતરે સગીરા સાથે ખોટુ કામ કર્યા બાદ સગીરાની તબીયત લથડયા બાદ ભાંડો ફૂટ્યો હતો.
વાપીના ડુંગરા વિસ્તારમાં એક પરિવાર ચા-નાસ્તાની દુકાન ચલાવે છે. વર્ષ 2023માં ચાંદબાબુ ઈસ્માઈલ હાસમી અવરનવર દુકાન પર આવતો હતો. તે દરમિયાન પરિવારની 15 વર્ષીય કામીની (નામ બદલ્યું છે.) ને પ્રેમજાળમાં ફસાવી હતી. કામવાસનામાં ચકચુર ચાંદબાબુએ અવર નવર ડુંગરા કોલોની સ્થિત બિલ્ડીંગના ત્રીજા માળે સીડી નજીક શારીરિક શોષણ કર્યુ હતું. જો કે ગત તા.27-11-2023 ના રોજ કામીનીની તબિયત લથડતા સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. કામીનીની તબીબી તપાસવેળા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. પૂછપરછમાં ચાંદબાબુએ ગંભીર કૃત્ય કર્યું હોવાનું બહાર આવતા ફરિયાદ કરાઈ હતી.
ડુંગરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કર્યા બાદ ચાર્જશીટ પણ રજુ કરી દીધી હતી. કોર્ટમાં હાથ ધરાયેલી દરમિયાન પબ્લિક પ્રોસિકયુટર અનિલ ત્રિપાઠીએ પિડીતા સહિત અનેક લોકોની જુબાની, મેડિકલ રિપોર્ટ સહિતના સજ્જડ પુરાવા સાથે દલીલો કરી હતી. જજ એચ.એન.વકીલે આરોપી ચાંદબાબુને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદ અને રૂ.10 હજારનો દંડ ફટકારતો પોકસો એકટ હેઠળનો મહત્વનો ચૂકાદો આપ્યો છે. આરોપી દંડની રકમ નહી ભરે તો વધુ એક વર્ષની કેદની જોગવાઈ કરાઈ છે. સાથે કોર્ટ પિડીતાને ગુજરાત વિકટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ.4 લાખ વળતર પેટે ચુકવવા આદેશ કર્યો છે.

