Video: દિલ્હી બ્લાસ્ટ બાદ વડોદરા પોલીસની કડક કાર્યવાહી, મોડી રાત્રે હોટેલ અને લોજમાં આકસ્મિક ચેકિંગ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ વડોદરા શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે વડોદરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા મોડી રાત્રે હોટેલ અને લોજમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મુસાફરોના રજિસ્ટ્રેશનની સઘન તપાસ
પોલીસ દ્વારા મુખ્યત્વે એ બાબતની તપાસ કરવામાં આવી હતી કે હોટેલો અને લોજમાં રોકાણ માટે આવતા મુસાફરોની એન્ટ્રી રજિસ્ટરમાં નોંધાયેલી છે કે નહીં, સાથે સાથે તેમની વિગતો ઓનલાઇન પણ રજિસ્ટર કરાવી છે કે નહીં. સુરક્ષાના ભાગરૂપે મુસાફરોની વિગતો પોલીસને આપવી ફરજિયાત છે.
ઝોન-૩ વિસ્તારમાં ચેકિંગ
ઝોન-૩ પોલીસ અધિકારી દ્વારા ન્યાય મંદિર, લેહરીપુરા અને મદન ઝાંપા રોડ જેવા વ્યસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં આવેલી હોટેલો અને લોજમાં મોડી રાત્રે તપાસ કરવામાં આવી હતી.
ડીસીપી અભિષેક ગુપ્તા, ડીસીપી ઝોન-૩ના જણાવ્યા અનુસાર, આ ઓચિંતા ચેકિંગને પગલે હોટેલ સંચાલકોમાં થોડી ઉતેજના જોવા મળી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિને આશરો ન મળે તેની ખાતરી કરવાનો છે. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

