Video/ વડોદરામાં તસ્કરનો તરખાટ: આજવા ચોકડી પાસે ડિલિવરી બોયનું એક્ટિવા ગણતરીની મિનિટોમાં ચોરાયું, સમગ્ર ઘટના CCTVમાં કેદ
સંસ્કારી નગરી વડોદરામાં તસ્કરો હવે ધોળા દિવસે અને લોકોની અવરજવર વચ્ચે પણ ચોરી કરતા ખચકાતા નથી. વડોદરાના આજવા ચોકડી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના પાર્કિંગમાંથી ગણતરીની મિનિટોમાં એક્ટિવા ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેના લાઈવ સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
ડિલિવરી આપીને પરત ફર્યો ત્યાં તો વાહન ગાયબ!
મળતી માહિતી મુજબ, એક ગ્રોસરી ડિલિવરી બોય સામાનની ડિલિવરી આપવા માટે આજવા ચોકડી પાસે આવેલા 'કાના હાઈટ્સ' એપાર્ટમેન્ટમાં આવ્યો હતો. તેણે પોતાનું એક્ટિવા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું અને ઉપર સામાન આપવા ગયો હતો. માત્ર ગણતરીની મિનિટોમાં સામાન આપીને જ્યારે તે નીચે પરત ફર્યો ત્યારે તેનું વાહન પાર્કિંગમાં જોવા મળ્યું ન હતું.
CCTV ફૂટેજમાં ચોરની કરતૂત કેદ
બનાવ અંગે એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરા ચેક કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે એક અજાણ્યો શખ્સ પાર્કિંગમાં પ્રવેશે છે અને ડિલિવરી બોયની ગેરહાજરીનો લાભ ઉઠાવી પળવારમાં એક્ટિવા લઈને ફરાર થઈ જાય છે. આ સીસીટીવી ફૂટેજ હવે તપાસ માટે પોલીસને સોંપવામાં આવ્યા છે.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ભોગ બનનાર દ્વારા આ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાયરલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

