Vadodara Viral Video: કન્યા ટ્રાફિકમાં ફસાઈ અને મુહૂર્ત વીતી જવાનો ડર હતો, ત્યારે દેવદૂત બનીને આવ્યો એક્ટિવા ચાલક
Vadodara Viral Video: સંસ્કારી નગરી વડોદરામાં માનવતા મહેકાવતો એક અદભુત કિસ્સો સામે આવ્યો છે. 'દીકરી વહાલનો દરિયો' પંક્તિને સાર્થક કરતા આ કિસ્સામાં, એક અજાણ્યા એક્ટિવા ચાલકે લગ્ન મંડપે જવા નીકળેલી પણ ટ્રાફિકમાં ફસાયેલી દીકરીને સમયસર તેના મુકામ પર પહોંચાડીને સૌના દિલ જીતી લીધા છે.
જાણો આખો મામલો
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતી એક દીકરીના લગ્ન હતા. જાન મંડપે પહોંચી ગઈ હતી અને દીકરી પણ શોળે શણગાર સજીને તૈયાર હતી. પરંતુ જ્યારે તે મંડપ તરફ નીકળી, ત્યારે રસ્તામાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. એક થી દોઢ કલાક સુધી ટ્રાફિક હળવો ન થતા પરિવારની ચિંતા વધી ગઈ હતી. મુહૂર્તનો સમય નજીક આવી રહ્યો હતો અને દીકરી ટ્રાફિકની વચ્ચે કારમાં અટવાયેલી હતી.
એક્ટિવા ચાલક બન્યો દેવદૂત
પરિવારની મૂંઝવણ જોઈને નજીક માંથી પસાર થતા એક એક્ટિવા ચાલક પાસે લિફ્ટ માંગવામાં આવી હતી. પલભરનો પણ વિચાર કર્યા વગર, આ ચાલકે ભારે ભીડમાં પણ પોતાની એક્ટિવા પર દુલ્હનને બેસાડી દીધી હતી. ભારે ટ્રાફિકમાંથી રસ્તો કાઢીને તે દીકરીને સલામત રીતે લગ્ન મંડપ સુધી લઈ ગયો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ
ટ્રાફિકમાં એક્ટિવા પાછળ બેસીને જતી દુલ્હનનો આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ એક્ટિવા ચાલકની નિઃસ્વાર્થ મદદની પ્રશંસા કરી રહ્યા છે. આજના દોડધામના યુગમાં પણ માનવતા કેટલી જીવંત છે, તેનું આ ઉદાહરણ ઘણું મહત્ત્વ ધરાવે છે. આ ઘટનામાં ડિજિટલ ટેક્નોલૉજી અને સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો સુધી માનવતાનો સંદેશ પહોંચ્યો છે.

