Vadodara: Poddar International School માં વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીને નખ માર્યા, બેગમાં ચાકુ બતાવી ધમકી આપી

Baroda School News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ વ્યાપી ગયેલા ખળભળાટ વચ્ચે વડોદરાના આજવા રોડ પર આવેલી Poddar International School પણ ચર્ચામાં આવી છે.
આ સ્કૂલમાં ભણતા ધો.7ના વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય એક વિદ્યાર્થી પર બેગમાં ચાકુ લઈને સ્કૂલે આવવાના અને અન્ય વિદ્યાર્થીઓને ચાકુ બતાવવાના ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.આ વિદ્યાર્થીએ તેના નાનાની હાજરીમાં કહ્યું હતું કે, આજે બપોરે રિસેસના સમયે મેં મારા ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીને બેન્ચ પાસેથી હટવા માટે ખભા પર હાથ મૂકીને ટકોર કરી હતી. જેના કારણે તેણે ઉશ્કેરાઈને મને ચહેરા પર નખ માર્યા હતા.
વિદ્યાર્થીએ આગળ કહ્યું હતું કે, તેની બેગમાં બટન દબાવીને ખુલે તેવું નાનુ ચાકુ પણ હતું.જે તે ક્લાસમાં બીજા વિદ્યાર્થીઓને પણ બતાવતો હતો.આ અંગે મેં મેડમનું ધ્યાન દોર્યુ ત્યારે તેમણે માત્ર ફોટો પાડીને વાલીને મોકલી આપ્યો હતો.એ સીવાય કોઈ કાર્યવાહી કરી નહોતી. એક દિવસ પહેલા સ્કૂલમાં ચેકિંગ થયું ત્યારે પણ મને નખ મારનાર વિદ્યાર્થીએ પોતાનું ચાકુ સંતાડી દીધું હતું.
વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતું કે, જો આવી ઘટના બનતી હોય તો સ્કૂલના મેનેજમેન્ટે બાળકોની સુરક્ષા સઘન કરવા માટે પ્રયાસ કરવા જોઈએ.વાલી તરીકે સ્વાભાવિક રીતે બાળકોની સુરક્ષાની ચિંતા રહેતી હોય છે. અમે સ્કૂલ મેનેજમેન્ટ સામે અને ચાકુ બતાવનાર વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ કરીશું.સ્કૂલે સ્પષ્ટપણે બેદરકારી દાખવી છે.
આક્ષેપ ખોટો છે,બેગમાં ચાકુ નહોતું, સ્કૂલને બદનામ કરવાનો પ્રયાસ
સ્કૂલના પ્રવકતા કલ્પેશભાઈએ કહ્યું હતું કે, તમામ આક્ષેપ ખોટા છે અને સ્કૂલને બદનામ કરવાનો પ્રયાસ થયો છે.બે વિદ્યાર્થીઓ વચ્ચે નાની તકરાર થઈ હતી અને તેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને નખ માર્યા હતા.આટલી નાની વાતને વાલીએ મોટો મુદ્દો બનાવીને ચગાવી છે.જે બાળકને નખ વાગ્યા હતા તે પછીથી ડાન્સ ક્લાસમાં પણ ગયો હતો.અમારી પાસે સીસીટીવી ફૂટેજ પણ છે અને તેની ચકાસણી પણ ચાલી રહી છે.નખ મારનાર વિદ્યાર્થી બેગમાં ચાકુ લાવ્યો હોવાની વાત પણ ખોટી છે.અમે અમદાવાદની ઘટના બાદથી સ્કૂલમાં ચેકિંગ કરી રહ્યા છે.

