વડોદરામાં વર્ષનો સૌથી મોટો દારૂનો નાશ: 15 પોલીસ સ્ટેશનોમાં પકડેલો 4 કરોડનો જથ્થો રોડ રોલર નીચે કચડી નંખાયો

વડોદરા શહેર પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે વેપાર અને હેરાફેરી સામે કડક વલણ અપનાવતા જુદા જદા 15 જેટલા પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવેલા જુદી-જુદી બ્રાન્ડના દારૂનો નાશ કરવા માટે કોર્ટનો આદેશ મેળવવામાં આવ્યો હતો. આજે કોયલી ચેકપોસ્ટ નજીક પોલીસે રૂ.4 કરોડ ઉપરાંતની કિંમતનો દારૂ રસ્તા પર પાથરી તેના ઉપર રોડ રોલર ફેરવી દીધું હતું. જેથી દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા.
કોયલી ખાતે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના ડીસીપી ઝોન-1, ઝોન-2 અને ઝોન-3 હેઠળ આવતા કુલ 15 પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ કેસોમાં જપ્ત કરાયેલા દારૂના મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જપ્ત કરાયેલા 4 કરોડ રૂપિયાથી વધુના દારૂના જથ્થાનો રોલર ચલાવી નાશ કરવામાં આવ્યો હતો. આ વર્ષનો સૌથી મોટો દારૂ નાશ કરાયો હતો.
સમગ્ર કાર્યવાહી દરમિયાન ડીસીપી ઝોન-1 જે એમ ચાવડા, ત્રણેય ઝોનના એસીપી, 14 પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ તેમજ એસડીએમ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઈએ કે, વર્ષ 2025-26ના કુલ 313 કેસ અંતર્ગત જપ્ત કરાયેલી 4 કરોડ 1 લાખ 70 હજાર રૂપિયાની કિંમતની 1 લાખ 34 હજાર બોટલોનો નાશ કરવામાં આવ્યો છે.

