પંજાબથી વડોદરા પહોંચ્યું રૂ.57 લાખનું હેરોઈન, 65 વર્ષનો પેડલર પોલીસના સકંજામાં

વડોદરામાં પંજાબથી લવાયેલા હેરોઈનના 57 લાખથી વધુ કિંમતના જથ્થા સાથે પોલીસે 65 વર્ષીય એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. પોલીસે પંજાબના ડ્રગ સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે. છાણી ટીપી 13 વિસ્તારના વીએમસી ક્વાર્ટર્સમાં છેલ્લા કેટલાક સમયથી હેરોઈનનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગતો મળતા એસઓજી અને ફતેગંજ પોલીસ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી હતી.
57.40 લાખનો હેરોઈન જપ્ત
પોલીસે દરોડો પાડી બલવિન્દરસિંઘ પ્યારાસિંઘ રંધાવાને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી 57.40 લાખની કિંમતનો 287 ગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછ દરમ્યાન આ જથ્થો દસેક દિવસ પહેલા જમાઈ મેહુલ સોનીની ઈકો વાન લઈ પંજાબ લગ્ન પ્રસંગે ગયો હતો ત્યારે લઈ આવ્યો હોવાની વિગતો બહાર આવી છે.
આ દરમિયાન અમૃતસર નક્કી ખીલચીયાન ખાતે રહેતો લખનસિંઘ તેને હેરોઈન આપી ગયો હોવાની વિગતો ખુલતા પોલીસે લખન સિંઘને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલો બલવીન્દરસિંઘ દોઢ વર્ષથી ડ્રગ્સનો ધંધો કરતો હોવાની પણ વિગતો બહાર આવી છે.








