માતા-પિતાની અવગણના કરનારાઓનો સમાજમાંથી બહિષ્કાર કરો: હર્ષ સંઘવી

ટેકનોલોજી અને માહિતીના ઝડપથી બદલાતા યુગમાં લોકો વચ્ચે સંપર્કો વધ્યા છે, પરંતુ સંબંધોમાં સંવેદના, વિવેક અને સંતોષ જાળવી રાખવા અત્યંત જરૂરી છે. ત્યારે માતા-પિતાની અવગણના કરનારાઓ સામે સમાજે કડક વલણ અપનાવવું જોઈએ. તેમનું દાન કે ફંડ પણ સ્વીકારવું નહીં અને આવા લોકોનો સમાજમાંથી બહિષ્કાર કરવો જોઈએ, તેવી અપીલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી.
દ્વારકેશલાલજી મહારાજના જન્મદિવસે વિશ્વ કલ્યાણ મહોત્સવ
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા રેવા પાર્ક ગાર્ડન ખાતે શ્રી કલ્યાણરાયજી હવેલીના ષષ્ઠપીઠાધિશ્વર પ.પૂ.ગો. ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજના ષષ્ઠીપૂર્તિ મહોત્સવ નિમિત્તે ‘વિશ્વ કલ્યાણ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ઉપસ્થિત રહી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહારાજના ચરણોમાં વંદન કરી તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે વૈષ્ણવ યુવા આચાર્ય પ.પૂ.ગો. ૧૦૮ આશ્રયકુમારજી અને પ.પૂ.ગો. ૧૦૮ શરણમકુમારજી સહિત સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ટેકનોલોજીના યુગમાં સંબંધોમાં સંવેદના જાળવવી જરૂરી
સંબોધન દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં ટેકનોલોજી (Technology) અને માહિતીના માધ્યમોથી લોકો વચ્ચે સંપર્કો વધ્યા છે, પરંતુ માત્ર સંપર્કો વધવાથી સંબંધો મજબૂત બનતા નથી. સંબંધોમાં સંવેદના, વિવેક અને સંતોષ જાળવી રાખવા પણ એટલા જ જરૂરી છે. તેમણે સેવા અને સંસ્કારના સમન્વયનું મહત્ત્વ સમજાવતા આધ્યાત્મિક પંક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો.
માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં જવું ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરો
માતા-પિતા પ્રત્યેની જવાબદારી અંગે તેમણે ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, સમાજમાં એવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ કે કોઈ પણ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં રહેવા જવાની ફરજ ન પડે. જે લોકો પોતાના માતા-પિતાની અવગણના કરે છે અથવા તેમની સાથે અસંવેદનશીલ વર્તન કરે છે, તેમના ફંડ, બોલી કે દાનનો સમાજે સ્વીકાર ન કરવો જોઈએ. આવા તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાનો કડક નિર્ણય લેવો જોઈએ.
સમાજસેવા અને સંસ્કાર સંવર્ધન માટે સહયોગની ખાતરી
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ દ્વારકેશલાલજી મહારાજના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. સાથે જ સમાજસેવા અને સંસ્કારના સંવર્ધન માટે હાથ ધરવામાં આવતા કાર્યોમાં રાજ્ય સરકાર તરફથી સદાય સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી.
દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત
આ ષષ્ઠીપૂર્તિ મહોત્સવમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય શૈલેષ મહેતા, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુ, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો, વડીલો, યુવાનો અને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.













