માતા-પિતાની લવ સ્ટોરી જાણવા ગર્લફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા રાહુલ ગાંધી, સંભળાવ્યો જૂનો કિસ્સો

માતા-પિતાની લવ સ્ટોરી જાણવા ગર્લફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા રાહુલ ગાંધી, સંભળાવ્યો જૂનો કિસ્સો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’ ના વિમોચન પ્રસંગે રાહુલ ગાંધીએ પોતાના કેમ્બ્રિજ અભ્યાસના દિવસોનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. આ કિસ્સામાં તેમણે પોતાની તત્કાલીન ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ કરતા એક પત્રકારે તેમના વિશે પૂછ્યું હતું, જેના પર રાહુલ ગાંધીએ હસતાં-હસતાં જવાબ આપ્યો હતો કે, "તે હવે મારી મિત્ર છે." 

માતા-પિતા જ્યાં પહેલીવાર મળ્યા હતા તે રેસ્ટોરન્ટની મુલાકાત

જાહેરાત

કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ સ્થિત 'વર્સિટી રેસ્ટોરન્ટ' ની મુલાકાત યાદ કરી હતી, જ્યાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી વિદ્યાર્થી કાળમાં પહેલીવાર મળ્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે, "મારા માતા-પિતાની પ્રેમકહાની વિશે ઘણી વાતો પ્રચલિત હતી, જેમાં સૌથી મોટી વાત વર્સિટી રેસ્ટોરન્ટમાં તેમની મુલાકાતની હતી. ઘણા વર્ષો પછી જ્યારે હું કેમ્બ્રિજ ગયો, ત્યારે મેં મારી ગર્લફ્રેન્ડને કહ્યું કે ચાલ વર્સિટી રેસ્ટોરન્ટ જઈએ, મારે જોવું છે કે મારા માતા-પિતા ક્યાં મળ્યા હતા." 

રેસ્ટોરન્ટનો અનુભવ જણાવતા તેમણે ઉમેર્યું કે, "અમે બેઠા અને વેઈટર મેનુ લઈને આવ્યો ત્યારે મેં તેને કહ્યું કે મારા માતા-પિતા આ રેસ્ટોરન્ટમાં મળ્યા હતા. તેણે મારી સામે જોઈને કહ્યું કે, 'ઓહ, હું તેમને ઓળખું છું.' મેં પૂછ્યું કે તમે તેમના વિશે શું જાણો છો? તો તેણે કહ્યું, 'હા, હું બરાબર જાણું છું કે તમે કોની વાત કરી રહ્યા છો.'" 

સોનિયા ગાંધીએ યાદ કરી પ્રથમ મુલાકાત અને રાહુલનો સંઘર્ષ

પુસ્તક વિમોચન પૂર્વે સોનિયા ગાંધીએ પણ એક વીડિયોમાં રાજીવ ગાંધી સાથેની પ્રથમ મુલાકાતને યાદ કરતા કહ્યું હતું કે, "ઇંગ્લેન્ડમાં તે દિવસોમાં ફૂડ ખૂબ જ ખરાબ મળતું હતું, તેથી હું ઈટાલિયન જેવા ભોજનની શોધમાં હતી. ત્યારે અમને આ નાનું ગ્રીક રેસ્ટોરન્ટ મળ્યું, જ્યાં હું રાજીવને મળી. તે ખૂબ જ દેખાવડા અને સૌમ્ય સ્વભાવના હતા. પહેલી જ મુલાકાતમાં મને લાગ્યું કે હું તેમની સાથે રહેવા માંગુ છું." 

આ ઉપરાંત સોનિયા ગાંધીએ 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદના કપરા સમય અને સુરક્ષા પડકારો વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, "રાજીવની હત્યાના થોડા મહિના પછી રાહુલને વિદેશ ભણવા જવાનું હતું. હાર્વર્ડ યુનિવર્સિટીએ સુરક્ષા ગાર્ડ્સ રાખવાની મંજૂરી ન આપી કારણ કે તેનાથી અન્ય વિદ્યાર્થીઓને જોખમ ઊભું થઈ શકે તેમ હતું. આથી, સુરક્ષા એજન્સીઓએ વ્યવસ્થા કરીને રાહુલને બીજી એક કોલેજમાં બદલાયેલા નામ સાથે દાખલ કર્યા હતા. ત્યાંના વિદ્યાર્થીઓને તેમનું સાચું નામ જાણવાની મનાઈ હતી. પોતાના પરિવાર વિશે કોઈની સાથે વાત ન કરી શકવાને કારણે તેમના માટે મિત્રો બનાવવા કે સંવાદ કરવો ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો."

આ સમાચાર શેર કરો

જાહેરાત