Vadodara: ગોત્રી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી; મેન ગેટ પાસે પાઇપો ખડકી દેતા 5 એમ્બ્યુલન્સ અટવાઈ

Vadodara : વડોદરાની જાણીતી ગોત્રી હોસ્પિટલ બહાર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. થોડા દિવસ અગાઉ ઇમરજન્સી ગેટ બ્લોક કર્યા બાદ, ગઈકાલે રાત્રે કોન્ટ્રાક્ટરે ફરીથી હોસ્પિટલના મેન ગેટ પર લોખંડની પાઇપો ખડકી દીધી હતી. આ મનસ્વી વર્તનને કારણે આજે સવારથી જ હોસ્પિટલ કેમ્પસ અને બહારના રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સવારના પીક અવર્સ દરમિયાન 4 થી 5 એમ્બ્યુલન્સો ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા.
અગાઉ પણ કરી હતી ભૂલ, ડૉક્ટરોની ચેતવણી છતાં ફરી એ જ બેદરકારી
થોડા દિવસો પહેલા જ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનો એક તરફનો ભાગ બ્લોક કરીને ઇમરજન્સી ગેટ પર લોખંડની પાઇપો મૂકી દેવાઈ હતી. તે સમયે ફરજ પરના ડૉક્ટરોએ ધ્યાન દોરતા પાઇપો હટાવી લેવામાં આવી હતી. જોકે, આ ઘટનામાંથી કોઈ પાઠ ભણવાના બદલે ગઈકાલે રાત્રે ફરીથી મેન ગેટ પર જ પાઇપોનો ઢગલો કરી દેવાયો હતો. સવારના સમયે હોસ્પિટલ આવતા પેશન્ટો, ઑફિસે જતો સ્ટાફ અને વિદ્યાર્થીઓ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા. કોન્ટ્રાક્ટરની આ એક ભૂલ અને લાપરવાહીના કારણે હજારો લોકોએ સમયસર પહોંચવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ગોત્રી હોસ્પિટલ પર ભારણ: રોજ હજારો લોકોની અવરજવર
ગોત્રી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કેમ્પસ ખૂબ જ મોટું છે, જ્યાં રોજની અવરજવરના આંકડા પર નજર કરીએ તો..
| કેટેગરી | અંદાજિત સંખ્યા (રોજની) |
રોજ આવતા પેશન્ટો |
1400 |
| કેમ્પસમાં રહેતા સ્ટુડન્ટો | 1200 થી 1300 |
| ક્વાર્ટર્સમાં રહેતો નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ | 300 ની આસપાસ |
| બહારથી આવતા ડૉક્ટરો | 300 |
આટલી મોટી સંખ્યામાં લોકો જ્યાં સંકળાયેલા હોય, ત્યાં મુખ્ય ગેટ બંધ થઈ જાય તો કેટલી મોટી આપત્તિ નોતરી શકે તેનો અંદાજ કોન્ટ્રાક્ટરે લગાવ્યો નહીં હોય કે પછી આને બુદ્ધીનું દેવાળું કહેવું? તેવા સવાલો પણ થઈ રહ્યા છે.
કાયમી સમસ્યા: ટ્રાફિક પોઇન્ટ અને પ્રોપર ડિવાઇડરનો અભાવ
સ્થાનિક લોકો અને હોસ્પિટલ સ્ટાફના જણાવ્યા મુજબ, અહીં માત્ર આજની જ સમસ્યા નથી પરંતુ કાયમી ટ્રાફિકની સમસ્યા છે. ગોત્રી હોસ્પિટલ નજીક કોઈ વ્યવસ્થિત ટ્રાફિક પોઇન્ટ કે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા નથી. રોડ પર ડાઇવર્ઝન અને ડિવાઇડર યોગ્ય રીતે પ્લાન કરાયા નથી. આથી, હોસ્પિટલ આવતા લોકોને અને ખુદ હોસ્પિટલમાંથી બહાર નીકળતી એમ્બ્યુલન્સોને પણ ફરજિયાત 'રોંગ સાઇડ'માં જવું પડે છે, જે અકસ્માતને આમંત્રણ આપે છે.
લોકોની માંગ:
ગોત્રી હોસ્પિટલ જેવા સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું વહેલી તકે કાયમી નિવારણ લાવવામાં આવે અને એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર જેવી વ્યવસ્થા જળવાય તે જરૂરી છે. તેમજ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાવા જોઈએ.

