Vadodara: ટ્રાફિક સિગ્નલ પર બાઈક મૂકી યુવકે રસ્તા વચ્ચે કર્યું ટોયલેટ, Video વાયરલ
'સંસ્કારી નગરી' તરીકે ઓળખાતા વડોદરા શહેરમાંથી એક અત્યંત અશોભનીય અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. એક બાઈકચાલકે ટ્રાફિકના નિયમો અને સામાજિક શિષ્ટાચારને નેવે મૂકીને ટ્રાફિક સિગ્નલ પર જ વિચિત્ર હરકત કરી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
શહેરના એક વ્યસ્ત ટ્રાફિક સિગ્નલ પર જ્યારે વાહનો લાલ લાઈટને કારણે ઊભા હતા, ત્યારે એક બાઈકચાલકે વિચિત્ર વર્તન કર્યું હતું. આ યુવકે ટ્રાફિક સિગ્નલ વચ્ચે જ પોતાનું બાઈક પાર્ક કરી દીધું અને નીચે ઉતરીને રસ્તા વચ્ચે જ જાહેરમાં ટોયલેટ કરવા લાગ્યો હતો. પાછળ રહેલા એક કાર ચાલકે આ સમગ્ર નજારો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો.
લોકોમાં ભારે રોષ
વડોદરા જેવા શહેરમાં જાહેર સ્થળે આ પ્રકારની અશોભનીય હરકતથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ વડોદરાના સંસ્કાર છે? જાહેર રસ્તા વચ્ચે બાઈક મૂકીને ગંદકી કરનાર યુવક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. વાયરલ વીડિયોના આધારે પોલીસ આ બાઈકચાલકને ઓળખી કાઢે અને તેની સામે કાયદેસરના પગલાં ભરે તેવી માંગ ઉગ્ર બની છે.
સીસીટીવી અને વીડિયોની તપાસ
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ હવે સ્થાનિક તંત્ર અને ટ્રાફિક પોલીસ આ મામલે શું એક્શન લે છે તેના પર સૌની નજર છે. જોકે, મીડિયા અહેવાલો મુજબ આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ જાગૃત નાગરિકો આ પ્રકારની વિકૃતિને સાંખી લેવા તૈયાર નથી.

