ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, 3 સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લામાં યલો ઍલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે હળવાથી મધ્યમ કમોસમ

Gujarat Rain Forecast: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન એમ કુલ 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જેના ભાગરૂપે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
કયા જિલ્લાઓમાં 'યલો ઍલર્ટ'?
હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને બાદ કરતા સમગ્ર રાજ્યમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.
30થી 40 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
આ કમોસમી વરસાદ માત્ર સામાન્ય છાંટા નહીં હોય, પરંતુ તોફાની પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ખાબકશે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ ખરાબ હવામાનને જોતા માછીમારોને 2 દિવસ માટે દરિયો ન ખેડવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.
તાપમાનનો પારો અને ગરમીની સ્થિતિ
હાલમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની છે. છેલ્લા 24 કલાકના તાપમાનના આંકડા મુજબ,રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી, અમદાવાદમાં 36.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 48 કલાક બાદ વાતાવરણ ચોખ્ખું થતા જ ગરમીનો પારો ફરી ઉચકાશે અને તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.





