Video: ત્રણ મહિનાથી જોખમી ટાંકી ઉતારવાની કામગીરી અધૂરી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતના કેમ્પસમાં આવેલી જર્જરિત પાણીની ટાંકી જોખમરૂપ બની હોવા છતાં તંત્ર દ્વારા તેને ઉતારવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નસવાડી જૂથ ગ્રામ પંચાયત દ્વારા ત્રણ મહિના પહેલાં ટાંકી જર્જરિત હોવા અંગે ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કામગીરી થઈ નથી. ટાંકીના સળિયા દેખાઈ રહ્યા છે અને કાટગ્રસ્ત બની ગયા છે, જ્યારે સ્લેબના પોપડા પણ ખરી રહ્યા છે. આવી સ્થિતિમાં ટાંકી ધરાશાયી થાય તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે. આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે કેમ્પસમાં લોકોની અવરજવર વધવાની શક્યતા છે, જ્યારે નજીકમાં રહેણાક મકાનો પણ આવેલાં છે. સરકારી સૂચનાઓ છતાં કાર્યવાહી કેમ થઈ નથી તેવા સવાલો સાથે તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે પણ પ્રશ્નો ઊઠ્યા છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં પાણી પુરવઠા વિભાગ અને સંબંધિત તંત્ર તાત્કાલિક મંજૂરી આપી ટાંકી ઉતારવાની કામગીરી કરે તેવી માંગ ઊઠી છે.








