વિશ્વ વારસા નગરી અમદાવાદના જન્મદિને વાંચો એની રસપ્રદ વાતો એક ક્લિકમાં
26 ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ સિવાય અનેક લોકો આ દિવસને અમદાવાદનો જન

26 ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ સિવાય અનેક લોકો આ દિવસને અમદાવાદનો જન્મ દિવસ પણ કહે છે. ત્યારે ચાલો જાણીએ આ શહેરની અમુક અજાણી વાતો.
મહમૂદ બેગડાના સમયમાં અમદાવાદ વધુ વિકસ્યું
અહમદશાહ મુસલમાન હતો પરંતુ, તેના પૂર્વજ રાજપૂત હતાં અને તેની સમક્ષ પાટણનો આદર્શ હતો. આ સિવાય અમદાવાદને બાંધનારા મોટે ભાગે હિન્દુ કે વટલાયેલા હિન્દુ હતાં. તેથી, અમદાવાદની નગરરચના પ્રાચિન હિન્દુ શહેરના સ્થાપત્યનો ખ્યાલ રાખીને કરાઈ છે. પરંતુ, અમદાવાદનો સાચો વિકાસ મહમૂદ બેગડાના સમયમાં થયો તેમ કહેવાય છે, જેમાં ઘણા બધાં બાગ બન્યા અને ઈ.સ. 1486માં અમદાવાદનો કોટ બંધાયો હતો.
1621-22 શાહીબાગની સ્થાપના
શાહજહાંની સુબાગીરીના સમયમાં ગુજરાતમાં દુકાળ પડયો, તેથી કામ આપવા માટે ઈ.સ. 1621-22માં ઉત્તરે નદી કિનારે બાગ બાંધવામાં આવ્યો, જે શાહીબાગ તરીકે ઓળખાયો. આ સિવાય ખાનપુર દરવાજા પાસે એક મહેલ બાંધવામાં આવ્યો અને તે મહેલ શાહજહાંના મહેલના નામે પ્રસિદ્ધ થય હતો.
1824 અંગ્રેજી અમલની શરૂઆત
1824માં અમદાવાદનો પહલો સરવે થયો હતો. 1826માં બે નિશાળો શરૂ કરવામાં આવી, 1830માં ફોજદારી કચેરી મેજીસ્ટ્રેટના હાથ હેઠળ આવી. ત્યારબાદ 1832માં અઢી લાખ રૂપિયાના ખર્ચે શહેરના કોટનું સમારકામ કરાવ્યું. 1846માં મ્યુનિસિપલ કામની શરૂઆત કરવામાં આવી, 1849માં 8 હજાર રૂપિયાના ખર્ચે ઘડિયાળ લાવીને ભદ્રના કિલ્લા પર મૂકવામાં આવી અને 1848માં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરાઈ હતી.
1903 હઠીસિંહ દેરાંની સ્થાપના
ઈ.સ. 1848 એટલે વિ.સં. 1901ના મહા મહિનામાં શેઠ હઠીસિંહે દિલ્હી દરવાજા બહાર બાર લાખના ખર્ચે જૈન મંદિર બનાવવાની શરૂઆત કરી હતી. પરંતુ, તે જ વર્ષે શ્રાવણ મહિનામાં તે મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ પછી તેમના પત્ની હરકોર શેઠાણીએ આ મંદિરનું કામ પૂરું કરાવ્યું અને 1903માં આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
1890 ગટર-પાણીની યોજના શરૂ
સ્વ. રા.બ. રણછોડલાલ છોટાલાલના પ્રયત્નોથી ઈ.સ. 1890માં ખાડિયામાં પહેલી ગટર નંખાઈ અને ચોવીસ એકર જમીનમાં વિસ્તરી. 1887માં તેમણે પહેલો કૂવો દસ હજારના ખર્ચે તૈયાર કરાયો અને 72 હજાર ગેલન પાણી મેળવ્યું. ત્યારબાદ 1892માં તેમણે દૂધેશ્વરની ટાંકીનું કાર્ય 76 હજારના ખર્ચે પૂર્ણ થયું અને શહેરને પાણી મળ્યું.
1870 પહેલી ફિમેલ ટ્રેનિંગ કોલેજ
1870 માં સ્ત્રી શિક્ષકોને તાલીમ આપવા માટેની શાળાની સ્થાપના થઈ અને 1874માં આ શાળાનું નામ ફીમેલ ટ્રેનિંગ કોલેજ કરવામાં આવ્યું. આ શાળાના મકાન માટે શેઠ બેચરદાસ લશ્કરીએ ઉદાર હાથે મદદ કરી હતી.
1854 અમદાવાદમાં સાપ્તાહિકો શરૂ
અમદાવાદનું પહેલું વર્તમાનપત્ર 'બુધવારિયા'ના નામથી ઓળખાતું, તેના પછી હિતેચ્છુ, 1854માં સમશેર બહાદુર તથા અમદાવાદ સમાચાર નામનાં સાપ્તાહિકો શરૂ થયાં. ત્યારબાદ ખબર દર્પણ શરૂ થયું હતું.
તે સમયનું ખાસ અને આજનું ગુજરી બજાર
ભદ્રકાળી મંદિરની સામે કિલ્લા અને ત્રણ દરવાજા વચ્ચે મોટું મેદાન હતું, જે મેદાનેશાહ તરીકે ઓળખાતું હતું. તે સમયમાં આ મેદાનમાં દર શુક્રવારના દિવસે ખાસ બજાર ભરાતું હતું અને હવે તે પરિવર્તિત થઈ આજનું ગુજરી બજાર બન્યું છે.
1887 ગાંધીજી પહેલીવાર અમદાવાદ આવ્યાં
1887માં મોહનદાસ કરમચંદ ગાંધી મેટ્રિકની પરીક્ષા આપવા પ્રથમવાર અમદાવાદ એકલા આવ્યા હતા, ત્યારે તેઓ ગુંદીની પોળમાં આવેલી હરિલાલ ગિરધરલાલ મણકીવાળા શેઠની
હવેલીમાં રોકાયા હતા.
અમદાવાદની પહેલી 'મહુરત પોળ'
માણેકનાથ બાવાની સમાધિની નજીકમાં જ 'મસાણિયા હનુમાન'દાદાની દેરી છે. મડદાંને મરણોત્તર બાળવાની જગ્યાને 'સ્મશાન, શમશાન, મશાણ કે મસાણ' તરીકે સંબોધવામાં આવે છે. જે સામાન્ય રીતે ગામ કે નગરની બહાર નદી કે તળાવના કિનારે જોવા મળે છે. 'મસાણિયા હનુમાન'ની દેરીથી થોડાક જ મીટરના અંતરે શુભ મુહૂર્તમાં સ્થપાયેલી અમદાવાદની સર્વપ્રથમ મનાતી 'મહુરત પોળ' છે. સ્વાભાવિક છે કે, નગરની મધ્યમાં સ્મશાનગૃહ ન જ હોય, એનો અર્થ એવો થાય કે સાબરમતી નદીનો એકાદ ફાંટો ત્યાં વહેતો હશે. જોકે આ ચર્ચા અને સંશોધનનો વિષય છે પણ સાબરમતીનો પ્રવાહ સમયાંતરે બદલાયો છે.








