ગુજરાતના આ ગામમાં હોળીની અનોખી પરંપરા, ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે લોકો
હોળીના જેમ અવનવા રંગો હોય છે તેમ પરંપરા પણ અનોખી જોવા મળે છે. સુરતથી 35 કિલોમીટર દૂર આવેલા ઓલપ

હોળીના જેમ અવનવા રંગો હોય છે તેમ પરંપરા પણ અનોખી જોવા મળે છે. સુરતથી 35 કિલોમીટર દૂર આવેલા ઓલપાડ તાલુકાના સરસ ગામમાં હોળી પર્વની એક અનોખી પરંપરા જોવા મળે છે. આ ગામમાં હોળીકાદહન બાદ લોકો ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા વર્ષોથી નિભાવી રહ્યા છે. સરસ ગામમાં હોળીની રાત્રે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે. હોળીકાદહન બાદ પાંચથી છ સેન્ટિમિટર સુધી પાથરેલા અંગારા પર લોકો ખુલ્લા પગે ચાલે છે. આ પરંપરામાં પાંચ વર્ષના બાળકથી લઈને 60 વર્ષના વૃદ્ધો સુધી સહભાગી થાય છે.
મોટી સંખ્યામાં ઉમટે છે લોકો
સરસ ગામની આ અનોખી પરંપરા એટલી વિખ્યાત બની ગઈ છે કે માત્ર સરસ ગામના જ નહીં, પરંતુ આસપાસના ગામના લોકો પણ હોળીના દિવસે અહીં આવે છે. શ્રદ્ધાળુઓ સાત ફેરા ફરીને અંગારા પર ચાલે છે. સુરત સહિત આજુબાજુના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આ અદ્ભુત દૃશ્ય જોવા માટે ઉમટી પડે છે.
આસ્થાનું પ્રતિક
હોળી પર્વ અસૂરી શક્તિ પર સારી શક્તિના વિજયનું પ્રતીક છે. આ ગામની આ અનોખી પરંપરા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. ગામના લોકો આ પરંપરાને શ્રદ્ધાપૂર્વક નિભાવી રહ્યા છે અને તેમનો વિશ્વાસ છે કે આ પરંપરા તેમની આસ્થાનું પ્રતીક છે. લોકો માનતા રાખતા હોય છે જે પૂર્ણ થયા બાદ અહિં આવીને આ રીતે બાધા છોડતાં હોય છે.






