હૃદય કંપાવનારી ઘટના: ઉધનામાં ત્રણ દિવસથી ગુમ ભાણેજની મામાએ જ કરી હતી હત્યા, કટકા કરેલી લાશની શોધખોળ શરૂ
સુરત શહેરમાં સંબંધોને શર્મસાર કરતો અને સનસનાટી મચાવી દેનારો એક હત્યા

સુરત શહેરમાં સંબંધોને શર્મસાર કરતો અને સનસનાટી મચાવી દેનારો એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઉધના વિસ્તારના ભાઠેના અમરનગરમાં રહેતા મામાએ પોતાના જ સગા ભાણેજની ઘાતકી હત્યા કરીને લાશના ટુકડા કરી દીધા હતા અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહના કટકા ખાડીમાં ફેંકી દીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાઠેના અમરનગરમાં મામા મોહમ્મદ ઈતેકાર અને તેનો ભાણેજ અમીર આલમ (ઉંમર ૨૫ વર્ષ) સાથે રહેતા હતા. કોઈક અંગત બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેણે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઝઘડા દરમિયાન મામા મોહમ્મદ ઈતેકારે ભાણેજ અમીર આલમ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, જેના કારણે અમીર આલમનું મોત નીપજ્યું હતું.
હત્યા બાદ મામાએ હત્યાનો ભેદ છુપાવવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. તેણે મૃતક ભાણેજના શરીરના ટુકડા કરી નાખ્યા અને ત્યારબાદ લાશના આ કટકાને નજીકની ખાડીમાં ફેંકી દીધા હતા.
પોલીસ તપાસમાં ખુલ્યો મામલો
મૃતક ભાણેજ અમીર આલમ છેલ્લા ત્રણ દિવસથી ઘરે નહીં આવતા તેના પરિવારે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને આ મામલે પોલીસને મામા મોહમ્મદ ઈતેકાર પર શંકા ગઈ હતી. પોલીસે મોહમ્મદ ઈતેકારની પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પોલીસે તુરંત જ આરોપી મામા મોહમ્મદ ઈતેકારની અટકાયત કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાની કબૂલાત બાદ પોલીસે ફાયર વિભાગના જવાનોને સાથે રાખીને ખાડીમાં મૃતક અમીર આલમના શરીરના કટકાની શોધખોળ હાથ ધરી છે. આ ક્રૂર ઘટનાને કારણે સમગ્ર ઉધના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.







