સુરતમાં શ્રમિક પર જીવલેણ હુમલો કરનારા બે દબોચાયા, મોબાઈલ-રોકડ લૂટવા કર્યો હતો પ્રયાસ
સુરતમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે પાંડેસરા રચના ખાડી બ્રિજ પાસે લૂંટના ઇરા

સુરતમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે પાંડેસરા રચના ખાડી બ્રિજ પાસે લૂંટના ઇરાદે એક શ્રમિક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તિક્ષ્ણ હથિયારના ઘા વાગતાં ઈજાગ્રસ્ત હાલ જીવન મરણ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. બીજી તરફ પોલીસે હુમલાખોર અતુલ સુનિલ પાંડે અને નિરજ સંજયભાઇ દુબે એમ બે આરોપીઓની ધરપકડ કરી છે.
મોબાઈલ ન મળતાં હુમલો કર્યો
આરોપીઓએ બે દિવસ પહેલા ફરિયાદી પાસે મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જેનો પ્રતિકાર કરતા આરોપીઓએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જોકે ફરિયાદીના પેટના ભાગે વાગી જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. બૂમો પાડતા આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. સ્થાનીકો દોડી આવ્યા હતા. જેથી ફરિયાદીને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
આરોપી એકલી વ્યક્તિને નિશાને લેતા હતા
ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે, જીઆઈડીસી વિસ્તારમાં ભાવિન મીલ પાસે રાત્રે ચપ્પુથી હુમલો કર્યો હતો. લોકોએ ઈજાગ્રસ્તને 108 મારફતે સિવિલ ખસેડ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તે કાપડની મીલમાં નોકરી કરે છે. તે મૂળ યુપીનો રહેવાસી છે. પોલીસે આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી લીધા હતાં. બન્ને આરોપીઓ સામે ભૂતકાળમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. બન્નેએ લૂંટના ઈરાદે તેના પર હુમલો કર્યો હતો. આરોપીઓ એકલા નીકળતાં લોકોને જ નિશાન બનાવતાં હતાં.








