રાજકોટનાં આજી ડેમ કાંઠેથી કપાયેલા બે પગ મળી આવ્યા, માનવ અંગ મળવાની ત્રીજી ઘટનાથી ચકચાર
રાજકોટમાં ત્રીજી વખત અંગ મળવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે, શહેરની ભાગોળે આજી ડેમના કાંઠા નજીકથી ક

રાજકોટમાં ત્રીજી વખત અંગ મળવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે, શહેરની ભાગોળે આજી ડેમના કાંઠા નજીકથી કપાયેલા બે પગ મળી આવતાં પોલીસ દોડતી થઇ છે . બંને પગ મહિલાના હોવાની આશંકા સેવાઇ રહી છે. કોઈ મહિલાની હત્યા કરી લાશના કટકા કરીને ફેંકી દેવાયા હતા કે કોઇ બીમાર મહિલા દર્દીના તબીબે પગ કાપ્યા હોય અને મેડિકલ વેસ્ટનો અયોગ્ય રીતે નિકાલ કરાયો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
વિગતવાર જોઈએ તો શહેરના ભાવનગર રોડ પર માંડાડુંગર નજીક આજી ડેમના કાંઠા પાસે બે પગ પડ્યા હોવાની માહિતી મળતાં આજી ડેમ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસને બંને પગ થોડા થોડા અંતરથી મળ્યા હતા. બંને પગ ગોઠણથી નીચેના ભાગથી પગના તળિયા સુધીના હતા. પગના પંજા ખવાઇ ગયેલી સ્થિતિમાં હતા અને અંદાજિત પાંચેક દિવસ પહેલાંના અંગો હોવાથી કોહવાઇ ગયા હતા. પોલીસે બંને પગને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.
મહિલાની હત્યા કરી લાશના ટુકડા કરી ડેમમાં ફેંકી દેવાયાની ચર્ચાએ જોર પકડ્યું
પરંતુ હાલ તો મહિલાની હત્યા કરી લાશના ટુકડા કરી ડેમમાં ફેંકી દેવાયાની ચર્ચાએ જોર પકડ્યું હતું તો કોઇ મહિલા દર્દીના પગમાં ગેંગ્રીન થતાં તબીબે બંને પગ કાપ્યા હોય પરંતુ તેનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે ડેમમાં ફેંકી દેવાયા હોય તેવી પણ શંકા સેવાઇ રહી છે. જો મેડિકલ વેસ્ટ હોય અને તેને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો ન હોય તો જવાબદાર હોસ્પિટલ અને ડોકટર સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી પણ થઈ શકે.
પોલીસ અગાઉ બે વખત માનવ અંગ મળી આવવાના કેસનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ
અગાઉ વર્ષ 2023ના 13 એપ્રિલના રોજ શહેરના બી ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા બેડી ચોકડીથી માલીયાસણ તરફ જવાનાં માર્ગે લાલપરી નદીના કાંઠેથી સાત કટકા કરી બેગમાં ભરેલી મહિલાની લાશ મળી આવી હતી.જે મામલો હજુ અનડિટેક્ટ છે. ઉપરાંત વર્ષ 2019માં આજી નદીના મેદાનમાંથી એક બાળકનું કપાયેલું મસ્તક મળી આવ્યું હતું જે મામલો પણ હજુ વણઉકેલાયેલો છે. અગાઉના બંને કેસમાં રાજકોટ શહેરની મહત્ત્વની કહેવાતી ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે પણ એક સમયે પરસેવો પાડી લીધેલો હતો પરંતુ હાથમાં કસુજ લાગ્યું ન હતું ત્યારે હવે ત્રીજી વખત માનવ અંગ મળી આવવાના કેસનો ભેદ રાજકોટ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઉકેલી શકશે કે કેમ તે જોવું રહ્યું.






