ગુજરાતમાં ત્રણ સ્થળે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત, ચારની હાલત ગંભીર
ગુજરાતમાંથી અવારનવાર ગંભીર અકસ્માતોના સમાચાર સામે આવતા હોય છે. એવામાં ફરીથી અકસ્માત સર્જાયા હતા

ગુજરાતમાંથી અવારનવાર ગંભીર અકસ્માતોના સમાચાર સામે આવતા હોય છે. એવામાં ફરીથી અકસ્માત સર્જાયા હતા જેમાં કુલ બે લોકોના મોત થયાં છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ છોટાઉદેપુરમાં એક મહિલાનું કરંટ લાગતાં મોત થયું.
બનાસકાંઠામાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત
બનાસકાંઠામાં ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડાના નાનીભાખર ગામમાં વાઘેલા દજુસિંહ વાઘસિંહ ગામમાંથી બહાર આવતા હતા. ત્યારે સામેથી આવતી પૂરપાટ ઝડપે કારે બાઈક ચાલકને ટક્કર મારી હતી. કારની અડફેટે આવતાં ઇજાગ્રસ્ત બાઈક ચાલકને લોકોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
જો કે, સારવાર માટે લઈ જતા હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. દજુસિંહ સરદારકૃષિ યુનિવર્સિટીમાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એવામાં અકસ્માતની ઘટનામાં દજુસિંહના મોતના સમાચાર પરિવારને મળતા પરિવાર સહિત ગામમાં હાલ શોકનો માહોલ છવાયો છે.
સાબરકાંઠામાં ડમ્પર બેકાબુ બનતા મહિલાને કચડી
સાબરકાંઠામાંથી એક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ડમ્પર બેકાબુ બનતા એક મહિલાને અડફેટે લઈ તેને કચડી દીધી હતી. નેશનલ હાઈવે પર બેકાબુ બનેલા ડમ્પરે મહિલાને કચડી દેતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું તેમજ અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માતને મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આણંદમાં રોંગ સાઈડ આવતી ઈકો કારે અડફેટે લેતાં એકનું મોત, ત્રણની હાલત ગંભીર
આણંદ જિલ્લામાં તારાપુરના ફતેપુરા ચોકડી પાસે ગંભીર અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામ્યા છે. રોંગ સાઈડમાં આવતી ઈકો કારે વટામણ તરફ જતી અલ્ટો કારને ટક્કર મારી હતી. જ્યાં અલ્ટોમાં સવાર કાર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું જ્યારે બીજા ત્રણને ગંભીર ઈજાઓ થતાં તેમને કરમસદ મેડિકલ ખસેડાયા છે. અકસ્માતમાં મોતને ભેટનાર ઠાસરા તાલુકાના વનોડા ગામના રહેવાસી હતા. ઈકો ચાલક એક કીમી દૂર આવેલ સી.એન.જી.પંપે ગેસ પુરાવા રોંગ સાઈડમાં જતો હતો. અગાઉ પણ અહીં અકસ્માતમાં કેટલાયના મોત થયાં છે તેમ છતાં, ફતેપુરા ચોકડીથી ગુજરાત ગેસ પંપ સુધી દરરરોજ હજારો વાહન ચાલકો એક કીમી સુધી રોંગ સાઈડમાં ગેસ પુરાવવા જતાં હોય છે.
છોટાઉદેપુરમાં મહિલાનું કરંટ લાગતા મોત
છોટાઉદેપુરના ચિચોડ ગામે એક મહિલાનું કરંટ લાગતા મોત થયું છે. ચિચોડ ગામે ગોલાગામડી ફળિયામાં રહેતા 45 વર્ષીય મહિલા શંકુબેન ચંદ્રસિંગ રાઠવાનું મોત થયું છે. મહિલાનું કરંટ લાગતા મોત થયું હતું બાદમાં તેમના પોસ્ટમોટર્મ માટે છોટાઉદેપુર લાવવામાં આવ્યા હતા. આ મામલે છોટાઉદેપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.







