મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાણવડ સામુહિક આપઘાત કેસમાં બે આરોપીઓની ધરપકડ, પરિવારના 4 સભ્યોએ ટૂંકાવ્યું હતું જીવન

Bhanvad mass suicide case : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ધારાગઢ વિસ્તારમાંથી બુધવારે મળી આવેલા જામન

ભાણવડ સામુહિક આપઘાત કેસમાં બે આરોપીઓની ધરપકડ, પરિવારના 4 સભ્યોએ ટૂંકાવ્યું હતું જીવન

Bhanvad mass suicide case : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ધારાગઢ વિસ્તારમાંથી બુધવારે મળી આવેલા જામનગરના આહિર દંપતી તેમજ તેમના પુત્ર-પુત્રીના મૃતદેહના સંદર્ભે સામુહિક આપઘાતના ચકચારી પ્રકરણમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા બે શખ્સો સામે પોતાના ભાઈ તેમજ તેમના પરિવારજનોને મરી જવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકાના એસપી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી, અને તે ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ જામનગરના બન્ને આરોપીઓને દબોચી લેવાયા હતા.

પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને સામુહિક આપઘાત

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના મૂળ રહીશ અને હાલ જામનગરમાં માધવબાગ-1 ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ. 42), લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ. 42), જીજ્ઞેશ અશોકભાઈ ધુંવા (ઉ.વ. 20) અને કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ. 18) નામના ચાર પરિવારજનોએ બુધવારે ધારાગઢ વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પાસે ઝેરી દવા ગટગટાવીને સામુહિક આપઘાત કરી લીધો હતો.

આ ચકચારી સામૂહિક આત્મહત્યાના પ્રકરણમાં પોલીસ દ્વારા સ્થળ નિરીક્ષણ તેમજ તપાસ દરમિયાન મૃતદેહ નજીકથી ઝેરી દવાનું ડબલું, પ્લાસ્ટિકના ગ્લાસ, કોલ્ડડ્રીંક્સની બોટલ વિગેરે મળી આવ્યા હતા. વધુ તપાસમાં આ સ્થળેથી પ્લાસ્ટિકના ઝબલામાંથી ત્રણ મોબાઈલ ફોન ઉપરાંત હાથે લખેલી ચીઠ્ઠી, મૃતકના પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ વગેરે પણ મળી આવ્યા હતા.

આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ તેમજ મોબાઈલ ફોનની ચકાસણી અને ચિઠ્ઠીના આધારે મૃતક અશોકભાઈ ધુવાના નાનાભાઈ લાલપુર તાલુકાના મોડપર ગામના વતની અને હાલ જામનગરના કનસુમરા ખાતે રહેતા વિનુભાઈ જેઠાભાઈ ધુવાએ વિશાલ જાડેજા દરબાર વી.એમ.મેટલ વાળા અને વિશાલ પ્રાગડા સામે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વીડિયો ક્લિપ મળી આવી, ચાર વ્યક્તિઓ અશોકભાઈને ધમકાવતા અને મારતા હતા

આ પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મૃતક અશોકભાઈના મૃતદેહ પાસેથી મળી આવેલા અલગ અલગ મોબાઈલ ફોનમાં રહેલા વોટ્સએપ મેસેજ તેમજ વીડિયો ક્લિપ ઉપરાંત અહીંથી મળી આવેલી સુસાઇડ નોટના આધારે ખુલવા પામ્યું હોતું કે એક વીડિયો ક્લિપમાં ચાર વ્યક્તિઓ અશોકભાઈને ધમકાવતા અને મારતા હતા અને કોઈ પ્રકારનું લખાણ લખાવી અને તેના કાગળો પોતે રાખી લીધા હતા. 

આરોપીઓએ બળજબરીથી લખાણ લખાવી લીધું હતું 

અન્ય એક મોબાઈલ નંબર પર મંગળવારે કાળા કલરની બોર્ડર વાળી નોટમાં લખેલા લખાણમાં વી.એમ. મેટલ વિશાલ જાડેજા પાસેથી અમે માલ દીધો હતો. તેના રૂપિયા 20 લાખ તેમજ ત્યાર બાદ પિયુષ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં અશોકભાઈ માલ લઈ ગયો.  તેના રૂપિયા 5,87,962 આપવાના છે. 

ત્યારબાદ ચામુંડા એન્ટરપ્રાઇઝમાં મારા જુદા-જુદા બે બિલના પૈસા માટે ભવાની એન્ટરપ્રાઇઝમાં લેઝર મુજબના નાણા મારે આપવાના છે. આ બધી જવાબદારી હું તથા મારો પુત્ર જતીન અશોક ધુવા પૈસાની જવાબદારી લઈએ છીએ. અમને એક પણ વસ્તુની બળજબરી કરવામાં આવી નથી. અમે માલ દીધો છે, તેના પૈસા અમે ચૂકવ્યા નથી"- તે મતલબનું લખાણ જોવા મળ્યું હતું.

6 વોટ્સઅપ મેસેજ મળી આવ્યા, ‘ભાઈ’ નામથી સેવ હતો નંબર

મૃતક અશોકભાઈના પત્ની લીલુબેનના મોબાઈલમાં ‘ભાઈ’ના નામથી સેવ કરેલા ચોક્કસ નંબર પરથી ત્રણ વીડિયો ક્લિપ મોકલવામાં આવી હતી. જેમાં કુલ ચાર વ્યક્તિઓ દ્વારા અશોકભાઈને ધમકાવી મારતા હોવાનું અને નોટમાં કંઈ લખાવી તેના કાગળો લઈ લીધાનું જણાયું હતું.

અશોકભાઈ પાસે પૈસાની કડક ઉઘરાણી  ‘ભાઈ’ નામના વ્યક્તિને વોટ્સએપ મેસેજમાં “વિશાલ જાડેજા દરબાર વી.એમ.મેટલ વાળાએ બળજબરી કરી, પૈસા લેવા માટે, તેનાથી અમોને હેરાન છીએ. તેણે અમને ખૂબ હેરાન કર્યા છે. તેનાથી અમો મરી જઈએ છીએ”- જેવા જુદા-જુદા છ મેસેજ પણ મળી આવ્યા છે. 

વિશાલ દરબારે મને માર્યો અને તે બિલ કૌભાંડ કરે છે

આ ઉપરાંત અહીંથી મળેલા એક સફેદ કાગળમાં “અમારી પાસે ઘણા બધા માણસો પૈસા માટે હેરાન કરતા હતા. તો તેનાથી વિશાલ દરબાર (વી.એમ.મેટલ) અમને હેરાન કરતા હોવાથી દવા પી લઈએ છીએ. વિશાલ પ્રાગડા સમર્પણ વાળા પાસે અમે રૂ.5.53 લાખ માંગીએ છીએ. જે ચાર મહિનાથી આપ્યા નથી. વિશાલ દરબારે મને માર્યો અને તે બિલ કૌભાંડ કરે છે. ને ખોટા બિલના પૈસા હતા, તે ખોટા તેને લેવા હતા. મારી પાસે કાંઈ માંગતો નથી. તેથી દવા પીને મરણ પામીએ છીએ” તે મતલબનું લખાણ પોલીસને મળ્યું છે. 

20 લાખ લેવાના છે તેવો હિસાબ કરી કડક ઉઘરાણી કરી 

આમ, આ સમગ્ર પ્રકરણમાં મૃતક આહિર પરિવારના મોભી એવા અશોકભાઈ જેઠાભાઈ ધુવા, તેમના પત્ની તથા અભ્યાસ કરતા યુવાન પુત્ર અને પુત્રીએ વિશાલ જાડેજા એ મૃતક અશોકભાઈ પાસેથી રૂપિયા 20 લાખ લેવાના છે તેવો હિસાબ કરી, આ પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે ડરાવી, ધમકાવી, માર મારી, નોટમાં તે મુજબનું લખાણ લખાવી લઈ અને કડક ઉઘરાણી કરી હતી.

ઉપરાંત સમર્પણ સેલવાળા વિશાલ પ્રાગડાએ પણ અશોકભાઈને આપવાના થતા રૂપિયા 5.53 લાખ લાંબા સમયથી નહીં આપતા આખરે તમામ ચાર પરિવારજનોએ ગઈકાલે જામનગરથી બે સ્કૂટર મારફતે નીકળી જઈ અને ભાણવડના ધારાગઢ ગામે ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરી લીધો હોવા અંગે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 108, 115 (2), 308(ક) તથા 54 મુજબ ગુનો નોંધ્યો છે. 

આ સમાચાર શેર કરો