મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

TRP અગ્નિકાંડ/ કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન, વેપારીઓ અડધો દિવસ સ્વેચ્છાએ જોડાશે

રાજકોટના TRP ગેમઝોનમાં 25 મે 2024ના સર્જાયેલા માનવસર્જિત અગ્નિકાંડને મહિનો પૂરો થઇ રહ્યો

TRP અગ્નિકાંડ/ કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન, વેપારીઓ અડધો દિવસ સ્વેચ્છાએ જોડાશે

રાજકોટના TRP ગેમઝોનમાં 25 મે 2024ના સર્જાયેલા માનવસર્જિત અગ્નિકાંડને મહિનો પૂરો  થઇ રહ્યો છે ત્યારે મૃત્યુ પામેલા 27થી વધુ લોકોને માસિક પૂણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પવાની સાથે પદાધિકારીઓ, મનપા સિવાયના અન્ય ખાતાના જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. કેટલીક બજારોના વેપારીઓએ અડધો દિવસ બંધ માત્ર મૃતાત્માઓની શાંતિ માટે રાખવાની ખાત્રી આપી છે.

પોલીસે વેપારીઓ પર બંધ માટે દબાણ જાણવા યાદી મંગાવતા વિવાદ

આજે બંધ પહેલા પોલીસ કર્મચારી એક વેપારી આગેવાનને ફોન કરીનમે તમારા વેપારીઓના નામ, સરનામા, નંબર સાથેની યાદી આપો તેમ કહેતા હોવાનો ઓડિયો વાયરલ થતા વિવાદ થયો છે. ઓડિયોમાં પોલીસકર્મી વેપારીઓને ધરાર બંધ કરાવવા કોંગ્રેસ પ્રયાસ નથી કરતી તે કન્ફર્મ કરવા આ યાદી મંગાઇ રહ્યાનું જણાવે છે ત્યારે વેપારી અમને કોઇએ કશુ દબાણ કર્યુ નથીં તેમ જણાવી રહ્યાં છે. આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ ધસી ગયા હતા અને રજૂઆત કરી હતી.

રાજકોટ પહોંચેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે સરકારની સિટની તપાસમાં હરણીકાંડ હોય કે મોરબીનો ઝૂલતાપૂલ કે તક્ષશિલા અગ્નિકાંડ એકેયમાં લોકોને ન્યાય મળ્યો નથી. રાજકોટના અગ્નિકાંડમાં માત્ર ટીપીઓ સાગઠીયાને પકડ્યા પણ તેમના બોસને સરકાર છાવરી રહી છે. શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે આ અગ્નિકાંડમાં માત્ર મહાપાલિકાના અધિકારીઓની જ ધરપકડ કરાઇ છે, પોલીસ કે અન્ય ખાતાના અધિકારીઓ અને ખાસ કરીને પદાધિકારીઓને છાવર્યા છે. ટીપીઓ કે ફાયર ઓફિસરો શાસક પક્ષના બેકીંગ વગર આવું કરી શકે નહીં.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે બંધનું એલાન કોંગ્રેસ પ્રેરિત હોવાથી તેને ખુલ્લો ટેકો આપ્યો નથી પરંતુ, કોંગ્રેસને ચેમ્બરના સેક્રેટરીએ એક પત્ર લખી આપ્યો છે જેમાં વેપારીઓ અડધો દિવસ સ્વેચ્છાએ બંધ પાડે તેવી અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો