હર ઘર તિરંગા: રાજકોટમાં તિરંગા યાત્રા યોજાઈ, રાજ્યભરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં આજે ૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે બહુ

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં આજે ૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે બહુમાળી ચોક, રેસકોર્ષ ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના નેતાઓ સહિત અન્ય મહાનુભાવો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, સ્વૈચ્છિક સંસ્થા સહિત અનેક લોકો આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા જ્યુબીલી ગાર્ડન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.
રાજકોટ ખાતે આયોજીત આજના કાર્યક્રમમાં ૨૫૦ જેટલા કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આઈ.સી.ડી.એસ., જિલ્લા આરોગ્ય કેન્દ્ર, બાગાયત ખેતી, ખેતીવાડી, જિલ્લા પશુપાલન, આત્મા, લીડ બેંક અને આર.સેટી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, સામાજીક વનીકરણ, પી.જી.વી.સી.એલ. અને રોડક્રોસ ના વિવિધ ટેબ્લો દ્વારા જન જાગૃતિ માટે પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જે રાજકોટ વાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વધુમાં દાઉદી વોરા સમાજ દ્વારા તથા પોલીસ બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારીત ધૂન રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ દેશ નેતાઓની વેશભૂષામાં સજ્જ થઈને સ્થાનિક લોકો પણ યાત્રા દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢમાં યોજવામાં આવેલ વેશભૂષાના કાર્યક્રમમાં 15,000 લોકો હાજર રહ્યા
આજ પ્રકારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં શિક્ષણ વિભાગ અને તાલુકા પંચાયત રાજુલા દ્વારા પચાસથી વધુ ગામોમાં તિરંગાયાત્રા યોજવામાં આવી હતી જેમાં કુલ-૧,૯૫,૦૦૦ જેટલા લોકો જોડાયા હતા. તો જુનાગઢ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલ વેશભૂષાના કાર્યક્રમમાં કુલ ૧૫,૦૦૦ લોકો હાજર રહ્યા હતા. વડોદરા જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા શિનોર ખાતે દિવેર પ્રાથમિક શાળામાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉર્મી સ્કુલ ખાતે ૧૮૬ વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. તો મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં ૧૭૫ થી વધુ લોકો જોડાયા હતા.
દાહોદ જિલ્લા ખાતે પંચાયત અને શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી તિરંગાયાત્રામાં ૧૦૦ થી વધુ લોકો જોડાયા હતા.દાહોદના છાપરી ગુરુકુળ વિધાલય ખાતે આયોજીત ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં ૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા પંચાયત દ્વારા હરઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગાયાત્રા અને સહી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ શહેરમાં પોલીસ ખાતા દ્વારા આયોજીત તિરંગા યાત્રામાં એસ.પી., ડી.વાય.એસ.પી., પી.આઈ., પી.એસ.આઈ. તથા પોલીસકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તિરંગા યાત્રા દરમ્યાન તિરંગાનું પણ વિતરણ કર્યું હતું. આ યાત્રામાં ૩૫૦ થી વધુ લોકો જોડાયા હતા.
તાપી જિલ્લામાં તાલુકા પંચાયત, ડોલવાણ દ્વારા માન. ધારાસભ્ય મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતિ માં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ડોલવણ ગામ સહિત આસપાસના વિસ્તારના ૮૦૦ થી વધુ લોકો જોડાયા હતા. તો સોનગઢ, વ્યારામાં પ્રથમિક શાળાઓ દ્વારા તિરંગા યાત્રા, ચિત્ર તેમજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૧૫૦ જેટલા વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો.
માંડવીમાં તિરંગા રેલીનું આયોજન કરાયું
કચ્છ જિલ્લામાં માંડવી ખાતે નગરપાલિકા કક્ષાએ શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં માન. ધારાસભ્ય અનિરુધ્ધભાઇ દવે, પ્રાંત અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં ૩૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા શેઠ પીપી મીસ્ત્રી સ્કુલમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૫૧ વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો. તથા શેઠ આર. જે. જે. સ્કુલ ખાતે યોજાયેલી પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં ૪૩ વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો. જ્યારે નેશનલ ઈંગ્લીસ સ્કુલ ખાતે યોજવામાં આવેલી રંગોળી સ્પર્ધામાં ૬૫ વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો.
છોટાઉદેપુરમાં ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધામાં 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
આ સિવાય અન્ય કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા ગ્રામ પંચાયત ભટોસણ ખાતે તિરંગા રેલી,ચિત્ર સ્પર્ધા,વેશભુષા,રંગોલી સ્પર્ધાનું આયોજનકરવામાં આવેલ હતું. જેમાં ૧૧૯ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તો મહિસાગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત તિરંગાયાત્રામાં ૨૦૦ જેટલા સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં યોજવામાં આવેલી ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા માં ૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પકવાન ચાર રસ્તા પાસે 100 તિરંગાઓનું વિતરણ કરાયું
અમદાવાદ ખાતે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દ્વારા ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦ લોકો હાજર રહ્યા હતા. પકવાન ચાર રસ્તા પાસે ૧૦૦ તિરંગાઓનું વિતરણ કર્યું હતુ. જ્યારે સુરત ખાતે કડોદરા નગરપાલિકા,પ્રાંત કચેરી કામરેજ અને મામલતદાર કચેરી દ્વારા ત્રિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં માન.ધારા સભ્યશ્રી ઇશ્વરભાઇ પરમાર, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતીમાં ૧૫૦૦ લોકો હાજર રહ્યા હતા.
અત્યાર સુધી રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું
અત્યાર સુધી રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે અને ૯.૦૦ લાખ તિરંગાના વિતરણની કામગીરી ચાલી રહી છે. હર ઘર તિરંગા અભિયાનમાં લોકો વધુ ને વધુ માત્રામાં જોડાઈ રહ્યા છે. દેશ ભક્તિને પ્રજ્વલીત કરી રહેલા આ અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશ ભરમાં દેશ દાઝ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના નિર્માણ થઈ રહી છે.








