દક્ષિણ ગુજરાતમાં છવાઈ ધુમ્મસની ચાદર, વિઝિબિલિટી ઓછી થતાં વાહનવ્યવહારને ભારે અસર
દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર છેલ્લા ત્રણ દિવસથી ઘટ્યું છે. તાપી, નવસારી, વલસાડ અને સુરતમાં બે દિવસથી ગાઢ

દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર છેલ્લા ત્રણ દિવસથી ઘટ્યું છે. તાપી, નવસારી, વલસાડ અને સુરતમાં બે દિવસથી ગાઢ ધુમ્મસની ચાદર પથરાતા દિવસ દરમિયાન પણ વાહનચાલકોએ લાઈટ શરૂ રાખવાની ફરજ પડી હતી. એરપોર્ટ પર પણ વિઝિબિલિટી 200 મીટરથી ઓછી થઈ ગઈ હતી. જેથી વાહનવ્યવહારને ભારે અસર થઈ હતી.
આ પણ વાંચોઃ સુરતમાં 8 વર્ષની બાળકીને નરાધમ અવાવરું જગ્યાએ લઈ ગયો, ચોકલેટની લાલચ આપીને કર્યા અડપલાં
નવસારીમાં હવામાન પલટાયું
નવસારી જિલ્લાના હવામાન પર નજર કરીએ તો દિવસનું મહત્તમ તાપમાન 27.0 ડિગ્રી અને રાત્રીનું લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયો છે હવામાં ભેજનું પ્રમાણ 98% અને સાંજે 74% નોંધાયો છે. પવનની ગતિ 0.9 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી છે અને પવન શાંત નોંધાયો છે. ધુમ્મસ સાથે ઠંડક આપતું આ વાતાવરણ શરીરને માફક આવતું નથી, જેથી આવા વાતાવરણમાં વાયરલ ફીવર અને શરદી ખાંસીના કેસ નોંધાય છે, વહેલી સવારે લોકો ગાર્ડનમાં કસરત કરતા જોવા મળ્યા છે.
આગામી 48 કલાક સ્થિતિ યથાવત્ રહેશે
ગુજરાતની આસપાસના ભાગોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય છે, તેની અસરોને કારણે અરબ સાગર તરફથી ભેજ ગુજરાત સુધી ખેંચાઈ આવે છે, જેથી ગુજરાતના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ખાસ કરીને દરિયાકાંઠાની નજીક આવેલા જિલ્લાઓમાં અને પહાડી વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. આ ઉપરાંત પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફથી આવતા પવનો બીજી તરફ અરબ સાગર તરફથી આવતા પવનો બંનેની દિશા વિરુદ્ધ હોવાથી વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેથી મહત્તમ તાપમાનમાં થોડા અંશે ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાતા ઠંડીમાંથી રાહત મળી છે. હજુ પણ આગામી 48 કલાક સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની પણ સંભાવના છે.








