મિની ગોવા તરીકે ઓળખાતા દીવમાં પર્યટકોનો મેળો, નાગવા બીચ પર ઊમટ્યું માનવ મહેરામણ
ગુજરાત નજીક આવેલું અને 'મિની ગોવા' તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ દીવ તહેવારોન

ગુજરાત નજીક આવેલું અને 'મિની ગોવા' તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ દીવ તહેવારોના આ માહોલમાં ગુજરાતી પર્યટકોના મહાસાગરથી છલકાઈ ઉઠ્યું છે. અરબી સમુદ્રના કિનારે આવેલું દીવ હાલમાં દુલ્હનની જેમ શણગારાયેલું જોવા મળી રહ્યું છે, જ્યાં તમામ હોટેલો અને પર્યટન સ્થળોને રંગબેરંગી લાઇટોથી ઝળહળીત કરવામાં આવ્યા છે.
દીવના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ગણાતા નાગવા બીચ પર પર્યટકોનો મેળો જામ્યો છે. નાગવા બીચની સફેદ સોના જેવી રેતીના દરિયાકિનારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને વોટર સ્પોર્ટ્સની વિવિધ રાઇડ્સની મોજ માણી રહ્યા છે.
પર્યટકોને આકર્ષિત કરવા માટે દીવના વહીવટી તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે. બ્લુ ફ્લેગ બીચ, ઐતિહાસિક પોર્ટુગીઝ કિલ્લો, આઈ.એન.એસ. ખુકરી વેસલ્સ, આઈ.એન.એસ. ખુકરી મેમોરિયલ, અને ફુદમ સ્થિત પાંચ પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવ મંદિર જેવા સ્થળોએ સહ-પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે.
અરબી સમુદ્રના કિનારે ઉછળતાં મોજાંની મોજ માણવા આવેલા પર્યટકોએ અહીંની સ્વચ્છતા અને સાફ-સફાઈના વખાણ કર્યા હતા. દીવનું શાંત અને સુંદર વાતાવરણ પ્રવાસીઓને અનોખો આનંદ આપી રહ્યું છે.






