દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં 8 ઈંચ વરસાદ ખાબકતા નદી-નાળા છલકાયાં
દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસ

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 29 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે (24 ઑગસ્ટ) વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે.
સાર્વત્રિક વરસાદ
સુરત જિલ્લામાં વહેલી સવારથી સાવત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેમાં ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડતા સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે અત્યારસુધીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધોધમાર વરસાદને નદી-નાળામાં છલકાયા છે.
ધોધમાર વરસાદ
ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના મોટાભાગના વિસ્તરોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.
25 ઑગસ્ટની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 25 ઑગસ્ટે વડોદરા અને ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડી, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.








