ઊંઝા માર્કેટયાર્ડમાં ચેરમેન બનવા માટે ભાજપના ત્રણ ગ્રુપ મેદાને, અમિત શાહ-નીતિન પટેલની લોબી સક્રિય
ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ચેરમેન પદ મેળવવા ભાજપના ત્રણ ગ્રુપ સક્રિય થયા છે. પૂર્વ ચેરમેન દિનેશ

ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ચેરમેન પદ મેળવવા ભાજપના ત્રણ ગ્રુપ સક્રિય થયા છે. પૂર્વ ચેરમેન દિનેશ પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલનું ગ્રુપ મેદાનમાં પડ્યું છે. માર્કેટયાર્ડની પહેલી યાદી જાહેર થતા કેટલીક મંડળીઓ રદ થતાં બે ગ્રુપમાં સોંપો પડી ગયો છે.
ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થતા રાજકારણ ગરમાયું
ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. માર્કેટયાર્ડમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું ગ્રુપ મંડળીઓની નજીક હોવાનું મનાય છે. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલનું ગ્રુપ પણ સક્રિય છે. આ ગ્રુપમાં મુખ્ય ભૂમિકા માર્કેટયાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલની છે. તેઓ પણ ચેરમેન બનવાના અભરખા સેવી રહ્યા છે. કિરીટ પટેલ ગ્રુપને બાલાજી ગ્રુપનો પણ ટેકો હોવાનું પણ મનાઇ રહ્યું છે. દિનેશ પટેલ ચેરમેન ન બને તે માટે કિરીટ પટેલનું ગ્રુપ ગાંધીનગર સુધી લોબિંગ કરી રહ્યું છે.
ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારણ લલ્લુ પટેલનું પણ ગ્રુપ છે. તેઓ વારંવાર ચૂંટણી લડવાની ના પાડે છે પરંતુ તેમના પૌત્ર સુપ્રીત પટેલને ચેરમેન બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સુપ્રીત પટેલ હાલ જમ્મુ કાશ્મીર યુવા ભાજપ મોરચાના પ્રભારી છે. દાદાના સહારે પૌત્ર ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા છે.
ઊંઝા માર્કેટયાર્ડમાં ચેરમેન બનવા માટે ત્રણ ગ્રુપ મેદાને પડ્યા છે. બીજી અને આખરી મતદાર યાદી જાહેર થયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની લૉબી સક્રિય હોવાની ચર્ચા
APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશભાઇ પટેલ, પૂર્વ મંત્રી અને પૂર્વ ચેરમેન નારણભાઇ પટેલ તેમજ સ્થાનિક ધારાસભ્ય કિરીટભાઇ પટેલની દાવેદારી પણ જોવા મળી રહી છે. યાર્ડના પૂર્વ ચેરમેન દિનેશભાઇ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની લૉબી અને ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઇ પટેલ અને પૂર્વ મંત્રી નારણભાઇ પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લૉબીના હોય તેવુ અનુમાન છે.








