માંગરોળ ગેંગરેપનો ત્રીજો આરોપી પકડાયો, ટ્રેનમાં રાજસ્થાન ભાગે એ પહેલાં સાબરમતી સ્ટેશનથી દબોચાયો
8 ઓક્ટોબરે સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં સગીરા પર ગેંગરેપ થયો હતો. દુષ્કર્મ 3 આરોપી દ્વારા કરાયું હતું.

8 ઓક્ટોબરે સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં સગીરા પર ગેંગરેપ થયો હતો. દુષ્કર્મ 3 આરોપી દ્વારા કરાયું હતું. આરોપીઓની ઓળખ થતાં જ ત્રણમાંથી બે આરોપીને ઝડપી લેવાયાં હતાં. જેમાંથી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજો આરોપી રાજસ્થાન ભાગીજવા માટે નીકળી ગયો હતો. જેને પોલીસે ઝડપી લીધો છે.
અમદાવાદથી ભાગે તે અગાઉ પકડાયો
પોલીસને મળેલી બાતમીના આધારે ત્રીજા આરોપી રાજુને અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ટ્રેનમાં બેસી રાજસ્થાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જિલ્લા પોલીસની ટીમ આરોપીનો કબજો લઈ સુરત રવાના થઈ છે. મૃતક આરોપીનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ એક મહિના પછી આવશે. પ્રાથમિક માહિતી આપતાં તબીબોની ટીમે જણાવ્યું હતું કે, આરોપી શિવશંકરના હૃદયમાં બે બ્લોકેજ છે. પ્રાથમિક અનુમાન મુજબ કાર્ડિયાક અરેસ્ટ છે. જો કે, સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે જાણ થશે.
શું હતી ઘટના ?
8 ઓક્ટોબરની રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવવારું જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. જ્યાં આ ત્રણેય નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા અને રાજુ બાઈક પર આવ્યા હતા. પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભાં છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઇલ પણ નરાધમોએ લઈ લીધા હતા.
SITની રચના
હાલ ગુનાની તપાસ માટે એસઆઇટી બનાવવામાં આવી છે. જેમાં ડીવાયએસપી આરઆર સરવૈયાની આગેવાની હેઠળ 6 પીઆઇ સામેલ છે. તપાસ જલદી પૂર્ણ કરીને ઝડપથી ચાર્જશીટ કરવામાં આવશે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે સ્પેશિયલ પ્રોસિક્યૂટરની નિમણૂક માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. ફરાર થયેલા આરોપીને પકડવા માટે હાલ અલગ અલગ ટીમો કામે લાગી છે.








