સુરત/ જળકુંભીથી તાપી નદીનો પટ બન્યો લીલુંછમ મેદાન, પાણીની જગ્યાએ ઉઠી દુર્ગંધની ફરિયાદ
સુરતની જીવાદોરી સમાન તાપી નદીના હાલ દર ઉનાળે બેહાલ થતાં જોવા મળી રહ્યાં છે. જે સુરતીઓ તાપી નદીની

સુરતની જીવાદોરી સમાન તાપી નદીના હાલ દર ઉનાળે બેહાલ થતાં જોવા મળી રહ્યાં છે. જે સુરતીઓ તાપી નદીની પૂજા કરે છે. તે જ લોકમાતાની હાલત દરવર્ષે વિકટ બની જતી હોય છે. જળકુંભીના કારણે નદીનો પટ લીલા ઘાંસના મેદાનમાં તબદીલ થતો જોવા મળી રહ્યો છે. જળકુંભીના કારણે પાણીની ગુણવત્તામાં ફરક પડે છે. સાથે જ દુર્ગંધ ફેલાતી હોવાની પણ સ્થાનિકો દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી છે.
ડેમમાંથી પાણી છોડવાની ફરજ
ભૂતકાળમાં પણ અનેક વખત જળકુંભીના કારણે દૂષિત પાણીનો પ્રશ્ન ઊભો થયો હતો. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ જોઈએ તો જળકુંભીના મુળિયા ખૂબ જ ઊંડાણમાં જતા હોય છે. તેને કારણે પાણીની જે અવરજવર છે તે પણ ઓછી થઈ જાય છે. તેના કારણે પાણીમાં દુર્ગંધ પણ શરૂ થઈ જાય છે. મહિના પહેલા જળકુંભી વધી જવાના કારણે પાણી દૂષિત થઈ ગયું હતું. જેને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડીને આ જળકુંભી દૂર કરવામાં આવી હતી.
પાણીની ગુણવત્તા ઘટી
દેશભરમાં સ્વચ્છતામાં પહેલો નંબર સુરતનો આવ્યો છે. પરંતુ પાણી પીવા માટે ઉપયોગમાં આવતી તાપી નદીમાં જળકુંભી ફેલાઈ ગઈ છે. જેના કારણે પાણીની ગુણવત્તા પણ ઘટી જાય છે. જીવાતનું પ્રમાણ પણ વધી જતું જોવા મળે છે.પાણીની માંગ વધી જતાં દર ઉનાળામાં કોઝ-વેના લેવલમાં ઘટાડો થતો હોય છે. સાથે લીલ, જળકુંભી, લીલા પાણીની સમસ્યા રહે જ છે. રાંદેર, પાલનપુર, વેડ રોડ, કતારગામ સહિતના વિસ્તારોમાં પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો પણ શરૂ થઈ જતી હોય છે. દર વર્ષે વધી જવાના કારણે આ સમસ્યા સર્જાય છે.








