સુરત/ યુનિવર્સિટી સામે પાર્ક થયેલી લક્ઝરી બસની ચોરી કરનાર આ રીતે ઝડપાયો
સુરતના વેસુ વિસ્તારમાંથી ચાર દિવસ પહેલા અજાણયા ઈસમે આખી લક્ઝરી બસ જ ચોરીને નાસી છૂટ્યો

સુરતના વેસુ વિસ્તારમાંથી ચાર દિવસ પહેલા અજાણયા ઈસમે આખી લક્ઝરી બસ જ ચોરીને નાસી છૂટ્યો હતો.આ બનાવને ગંભીરતાથી લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોરાયેલી લક્ઝરી બસ સાથે ચોરને રિવર ફ્રન્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો.
પાર્ક થયેલી બસની ચોરી
મળતી માહિતી મુજબ કિરણભાઈ બચુભાઈ ટીલાવત (રહે- સંતનારાયણ સોસાયટી, કાપોદ્રા ) નાઓએ વેસુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની સામે રોડની સાઈડમાં પોતાની લક્ઝરી બસ પાર્ક કરી હતી. ત્યારે તારીખ 31 મીએ કોઈ અજાણ્યો ચોર ઈસમ આ લક્ઝરી બસ ચોરી કરીને નાસી છૂટ્યો હતો.કિરણ ટીલાવત દ્વારા આ અંગે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
રિવર ફ્રન્ટથી ઝડપાયો
દરમિયાન ચોરીના આ બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. બાતમીને આધારે આરોપી જગુ ગોબરભાઇ કળોતરાને અડાજણ તાપી રિવર ફ્રન્ટની બાજુમાં આવેલ લક્ઝરી બસ પાર્કિંગમાંથી ચોરી કરેલી લકઝરી બસ સાથે ઝડપી પાડ્યો હતો. બાદમાં વેસુ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.વેસુ પોલીસે આરોપી વિરુદ્ધ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.








